Western Times News

Gujarati News

VibrantGujarat: નવસારી જિલ્લામાં અંદાજીત 212 કરોડના 146 MOU થયા

નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી ખાતે વાઇબ્રન્ટ નવસારી કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લાકક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત,વાઇબ્રન્ટ નવસારી’ કાર્યક્રમ રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી સ્થિત લેઉવા પાટીદાર સમાજ વાડી, તીઘરા ખાતે યોજાયો હતો.

જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ અને જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાહેર જનતા માટે ૨૫ એક્ઝિબેશન સ્ટોલનું પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી  કરવામાં આવી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ નવસારી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ મેનેજર અને મહાનુભાવોના હસ્તે ઉદ્યોગકારો સાથે અંદાજીત ૨૧૨ કરોડના ૧૪૬ MOU કરવામાં આવ્યા હતા.

આ અવસરે પ્રભારી મંત્રીશ્રીએ ગુજરાતની વિકાસયાત્રામાં સહકાર આપવા બદલ ઉદ્યોગકારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશ- વિદેશના ઉદ્યોગકારોએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરીને રોજગારની તકો ઊભી કરી છે.આ માટે સરકારશ્રી દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટે સરળ નીતિઓ ઊભી કરાઈ છે.

ગુજરાત વિકસિત, દીક્ષિત અને ધબકતું બને એ માટે આવતા વર્ષે વાઇબ્રન્ટની ૨૦ વર્ષની ઉજવણીમાં ૧૩૫ દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે, જે ગુજરાત સરકારશ્રીની સરળ ઉદ્યોગનીતિને પ્રોત્સાહન આપશે. વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થકી નાના ઉદ્યોગકારો/કારીગરો પોતાની પ્રોડક્ટને વિશ્વ સમક્ષ રાખી શકે છે. નિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબર પર છે.

તેમણે નવસારી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે,આવનારા સમયમાં જલાલપોર તાલુકાના વાંસી ખાતે ટેક્ષ્ટાઈલ પાર્ક નું નિર્માણ થનાર છે જેથી રોજગારીની નવી તકો ઉભી થશે. જિલ્લામાં જી.આઈ.ડી.સી મારફત સ્થાનિક રોજગારીની તકો તો વધી જ છે. આ તકે તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને આવકાર્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે બાજપાઈ બેંકેબલ યોજનાની સબસિડીના ચેક એનાયત કરાયા હતા.

આ તકે નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ  પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે,૨૦ વર્ષની વાઇબ્રન્ટ યાત્રા આજે વટવૃક્ષ સમાન બની છે.દેશમાં ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.સરકારશ્રીના પ્રયત્નોથી ગુજરાતમાં બિઝનેસ કરવા માટે તમામ અનુકુળતાઓ અને સરળ નીતિઓ ઉદ્યોગકારોને ઇન્વેસ્ટ કરવા માટે આવકારી રહી છે.

આ પ્રસંગે પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દીર્ઘદ્રષ્ટિથી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તેનું ઉત્તમ ઉદાહરણ બની છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના રથને આગળ વધારી રહી છે. આજે ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે.

જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે  પ્રાસંગિક ઉદ્દબોધનમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ નવસારી રાજ્ય અને જિલ્લા અંગે ઉદ્યોગોને લગતી સિધ્ધિઓ સહિત તમામ માહિતી પૂરી પાડી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા,પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, પ્રદેશમંત્રીશ્રી શીતલબેન સોની, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખશ્રી મીનલબેન દેસાઇ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી એમ.કે.લાડાણી સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.