Western Times News

Gujarati News

વિકી કૌશલે ‘છાવા’ માટે ૨૫ કિલો વજન વધાર્યું

મુંબઈ, વિકી કૌશલ એક વખત ‘ઉરી’માં યુદ્ધ અને એક્સ પ્રકારના સીન કરી ચૂક્યો છે, હવે ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’માં તે તલવાર અને ભાલા સાથે એક વીર યોદ્ધાનો રોલ કરતો જોવા મળશે. આ રોલ માટે તે પણ ઘણો ઉત્સાહિત છે. વિકી ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કરે છે.

તાજેતરમાં મુંબઈમાં આ ફિલ્મની ટ્રેલર લોંચ ઇવેન્ટ યોજાઈ હતી. ત્યારે વિકીએ આ રોલ માટે તેણે કરેલી તૈયારીઓ વિશે વાત કરી હતી. વિકીને લાંબા સમયથી એક્શન ફિલ્મ કરવાની ઇચ્છા હતી, આ અંગે તેણે કહ્યું, “મેં છેલ્લે જે એક્શન ફિલ્મ કરી હતી એ ‘ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈક’ હતી.

ત્યારથી હું કોઈ આવી તકની રાહમાં હતો. મને ખબર નહોતી કે એ લોકો મને ઘોડા પર ચડાવશે અને મને તલવાર પકડાવી દેશે. પરંતુ બધું જ નવું હતું. મને ઘોડેસવારી આવડતી નહોતી.

તેથી મેં તેની ટ્રેનિંગ લીધી, સાથે મેં તલવારબાજી પણ શીખી, આ બધાની તાલીમ ૬-૭ મહિના ચાલી હતી. તે ઉપરાંત મારે વજન વધારવું પડ્યું- હું ૮૦ કિલોથી ૧૦૫ કિલોએ પહોંચ્યો છું.”આ રોલ માટેની તૈયારી અંગે આગળ વિકીએ કહ્યું, “આ ઉપરાંત મારે એક્શનની પણ બહુ ટ્રેનિંગ કરવી પડી, મહિનાઓ સુધી એક્શન સીક્વન્સ માટેની પ્રેક્ટિસ કરી છે.

એક્શન કોરિયોગ્રાફર પરવેઝ સર અને તેમની ટીમે પણ મને બહુ જ સહકાર આપ્યો છે. તમને ટીઝરમાં જે એક એક્શન સીક્વન્સ દેખાય છે, તે ધોમ ધખતા તાપમાં ૨૦૦૦ લોકોની વચ્ચે ૫૦૦ સ્ટંટમેન સાથે શૂટ થઈ છે. એ રમઝાન મહિનામાં હતી, ઘણા સ્ટંટમેન રોજા રાખતા હતા અને ખાધા-પીધાં વિના સ્ટંટ પણ કરતા હતા, બધાં જ સંભાજી મહારાજની વીરતા દર્શાવવા માટે આ મહેનત કરી રહ્યા હતા.”વિકીની ‘છાવા’ ૧૪ ફેબ્›આરીએ થિએટરમાં રિલીઝ થવાની છે.

છત્રપતિ શિવાજી મહારાજના વીર પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આ ફિલ્મ આધારિત છે, જેમનામાં ધરતી, આગ, પાણી અને હવા એ ચારેય તત્વોની તાકાત હતી.

આ ફિલ્મમાં આશુતોષ રાણા, દિવ્યા દત્તા, નીલ ભોપાલમ, સંતોષ જુવેકર અને પ્રદીપ રાવત સહિતના કલાકારો મહત્વના રોલમાં છે. એ.આર.રહેમાન આ ફિલ્મનું સંગીત આપી રહ્યા છે. તેમજ મેડોક ફિલ્મ્સ દ્વારા ‘છાવા’ પ્રોડ્યુસ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.