વિકી કૌશલની ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ ફ્લોપ થવાના આરે
મુંબઈ, ૨૦૨૩ના વર્ષમાં બોલિવૂડને સંખ્યાબંધ હિટ ફિલ્મો મળી છે. પઠાણથી શરૂ કરીને જવાન સુધીની સફરમાં અનેક ફિલ્મોને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. જેમાં ગદર ૨, સત્ય પ્રેમ કી કથા, ઓહ માય ગોડ ૨ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
એકંદરે આ વર્ષમાં છ જેટલી ફિલ્મો સારી ચાલી છે. જાે કે કેટલીક ફિલ્મો ઓડિયન્સને ખેંચવામાં નિષ્ફળ રહી છે. આ યાદીમાં વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’નો સમાવેશ થાય છે.
આ ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં માંડ રૂ.૫.૧૨ કરોડનું કલેક્શન મેળવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ માટે પહેલું વીકેન્ડ સારું રહ્યું નથી. રિલીઝના પહેલા દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરે આ ફિલ્મે રૂ.૧.૪ કરોડનું કલેક્શન મેળવ્યુ હતું. બીજા દિવસે રૂ.૧.૭૨ કરોડ અને ત્રીજા દિવસે રૂ.બે કરોડના કલેક્શનથી ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ની ટીમે સંતોષ માનવો પડ્યો છે. ત્રણ દિવસમાં ૫.૧૨ કરોડનો આ બિઝનેસ ફિલ્મની ટીમ માટે ચિંતાજનક છે.
વિકી કૌશલની સાથે આ ફિલ્મમાં માનુષી છિલ્લર, મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને અલકા અમીન છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’માં વિકીએ લોકલ ભજન સ્ટાર ભજનકુમારનો રોલ કર્યો છે. ફિલ્મની સ્ટોરી મુજબ, વિકીનો ઉછેર ધાર્મિક હિન્દુ પરિવારમાં થાય છે. તેને ભજનો ગાવાનો ખૂબ શોખ છે અને તેના કારણે સ્થાનિક વિસ્તારોમાં તેની ઈમેજ એક સ્ટાર જેવી છે. અચાનક જ ભજનકુમારને ખબર પડે છે કે, તે જન્મથી મુસ્લિમ છે. ત્યારબાદ તેના જીવનમાં આવતી ઉથલ-પાથલને આ ફિલ્મમાં રજૂ કરાઈ છે.SS1MS