વિધાનસભાની અમૂલ કેન્ટીનના ટેબલ-ખુરશી જમવા માટે છે કે કામ કરવા માટે છે?
ખાનગી કંપનીના કર્મચારીઓ ભોજન લેવાને બદલે તેઓની ઓફિસનું કામ કરી રહ્યા હોય છે.
સરદાર ભવન સચિવાલય પરિસરમાં આવેલ વિધાનસભા બિલ્ડીંગના ભોંયતળિયે આવેેલી અમૂલ કેન્ટીનમાં બપોરના સમયે સરકારી કર્મચારીઓ પોતપોતાનું ટિફીન લઈને જમવા જતાં હોય છે.પરંતુ થાય છે એવું કે સરકારી કર્મચારીઓને એ સમયે જમવા બેસવા માટે જગ્યા મળતી નથી.
તેનુ કારણ એ છે કે એ સમયે જ જુદીજુદી પ્રાઈવેટ એજન્સીના કર્મચારીઓ તેમની ઓફિસનું કામ વિધાનસભાની કેન્ટીનમાં બેસીને કરતા હોય છે.આ બાબત જરા પણ તે વ્યાજબી ન હોવા છતાં ચલાવી લેવાય છે! કર્મચારીઓએ કેન્ટીન મેનેજરને ફરિયાદ કરતાં તેમણે એવું બહાનું કાઢ્યું કે તેઓ પોતે આ અંગે કંઈ પણ કરી શકે તેમ નથી!એ રીતે મેનેજરની પણ કોઈ મજબૂરી હોવાનું જણાય છે.
કર્મચારીઓ જ્યારે આ કેન્ટીનમા જમવા આવે છે ત્યારે જગ્યા શોધવા માટે ફાંફા મારતા રહે છે અને ખાનગી કંપનીના કર્મચારીઓ ભોજન લેવાને બદલે તેઓની ઓફિસનું કામ કરી રહ્યા હોય છે. કેન્ટીનનુ મેનેજમેન્ટ પણ કોઈ કાર્યવાહી કરી શકતું નથી.
દરરોજ જમવાના સમયે એકથી બે કલાકથી પણ વધુ સમય સુધી એક-બે ટેબલ રોકી ખાનગી પેઢીનાં કર્મચારીઓ કામ કર્યે રાખે છે અને કમનસીબે તેમને કોઈ ટોકનાર કે રોકનાર નથી.વિધાનસભા સચિવાલય આ અંગે સક્રિય થાય તો સારું એમ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે તેમની કેટલીક અજાણી વાતો
ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગયા સોમવારે એટલે કે તા.૧૫/૭/૨૪ના દિવસે પોતાનો જન્મદિવસ ખૂબ સાદાઈથી,કશી ધમાલ,દેખાડો કર્યા વગર ઉજવ્યો હતો.આ દિવસે વહેલી સવારે અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો તેઓએ પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ત્રિમંદિરમાં વિવિધ દેવોના દર્શન કરી શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.
આવો,આજે ભૂપેન્દ્ર પટેલ અંગે કેટલીક અજાણી વાતો કરીએ(૧)ઃ- આ એક એવાં મુખ્યમંત્રી છે કે જેમને મળવું દરેક માટે ખૂબ સરળ છે (૨)ઃ-ભૂપેન્દ્ર પટેલ સવારમાં નાહ્યા વગર ચા-નાસ્તો કરતા નથી(૩)ઃ-મુખ્યમંત્રી નિયમિત પૂજાપાઠ કરે છે
(૪)ઃ-અઢી વર્ષ કરતાં ય વધુ સમયથી મુખ્યમંત્રી હોવા તેમનામાં રજમાત્ર અભિમાન જન્મ્યું નથી (૫)ઃ-મુખ્યમંત્રી સાદું બનારસી પાન કે મસાલો ખાય છે.
પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી તેની માત્રા તેઓએ ખૂબ ઓછી કરી દીધી છે(૬)ઃ-ભૂપેન્દ્ર પટેલ નવરંગપુરામાં આવેલ વિકાસ પાન સેન્ટરનું પાન ખાવાનું વિશેષ પસંદ કરે છે (૭)ઃ-ભૂપેન્દ્ર પટેલને ભજીયા ખૂબ ભાવે છે (૮)ઃ-ભૂપેન્દ્ર પટેલ શક્ય હોય ત્યાં સુધી સાંજે કુટુંબ સાથે બેસીને ભોજન લેવાનું પસંદ કરે છે.
ભા.જ.પ.પ્રદેશ કાર્યાલયમાં પરેશ પટેલ (ઉર્ફે મામા)અને શ્રીનાથ શાહને પ્રમોશન
સરકારની જેમ ભા.જ.પ.માં પણ પ્રમોશન અપાતાં હોય છે.એ પરંપરા અનુસાર ભા.જ.પ.પ્રદેશ કાર્યાલયમાં છેલ્લા બે દાયકાથી કાર્યાલય મંત્રી તરીકે ફરજ બજાવતા પરેશ પટેલ (ઉર્ફે મામા)ને પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેમને કાર્યાલય મંત્રીમાંથી ગુજરાત પ્રદેશનાં ‘સંગઠન મંત્રી’ બનાવવામાં આવ્યા છે.
એ સાથે જ પરેશ પટેલની ખાલી પડેલી ‘કાર્યાલય મંત્રી’ની જગ્યા પર પ્રદેશ ભા.જ.પ.ના અધ્યક્ષ સી.આર.પાટિલના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રીનાથ શાહની નિયુક્તિ કરવામા આવી છે.
પરેશ પટેલ અને શ્રીનાથ શાહને મળેલું પ્રમોશન એ બન્નેની નિષ્ઠાભરી કામગીરીની પક્ષે કરેલી કદર છે એમ કહી શકાય.પરેશ પટેલ સરકાર અને પક્ષ વચ્ચે ઉત્તમ સંકલન કરી શકે છે એવી સર્વત્ર છાપ પ્રવર્તે છે.
વળી ૨૦-વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન પરેશ પટેલ કશેય વિવાદમાં નથી આવ્યાં એ પણ એમનું જમા પાસું છે.જુદાજુદા પ્રદેશ પ્રમુખ સાથે યોગ્ય સમાયોજન સાધીને કામ કરવાનો એમનો અનુભવ તેમની પરિપક્વતાની સાક્ષી પુરે છે.શ્રીનાથ શાહ પક્ષના અત્યંત વફાદાર અને વિશ્વાસુ કાર્યકર છે.પ્રસિદ્ધિથી સંપૂર્ણ રીતે દુર ભાગનારા,સ્થિર બુદ્ધિના પરિપક્વ કાર્યકર્તા છે.
પાટિલ પહેલાં તેઓ લાલકૃષ્ણ અડવાણી જ્યારે નાયબ વડાપ્રધાન હતા ત્યારે તેમનાં અંગત સચિવ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.નાયબ વડાપ્રધાન જેવા સત્તાનાં મુખ્ય કેન્દ્રની તદ્દન નજીક રહેવા છતાં તે વખતે પણ શ્રીનાથ શાહ અત્યંત સાલસ અને નમ્ર સ્વભાવ ધરાવતા હતા એવું તેમનાં સંપર્કમાં આવેલાં સરકારી અધિકારીઓ પાસેથી સાંભળ્યું છે.
અર્જુનસિંહ રાણા વધારાનાં ચાર્જ(કામગીરી)નું કોઈ મહેનતાણું નથી લેતા!
ગુજરાતની સ્વર્ણિમ સ્પોટ્ર્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરજ બજાવતા ડો.અર્જુનસિંહ રાણા પોતાના કુલપતિ પદ ઉપરાંત તા.૨૩/૧૨/૨૦૨૧થી ગુજરાત રાજ્યના સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ખાસ ફરજ પરના અધિકારી તરીકે પણ કામગીરી કરે છે.આ યુગમાં આશ્ચર્ય થાય એવી વાત તો એ છે કે સદરહુ કામગીરી રાણા દરરોજનાં ધોરણે અને નિયમિત રીતે કરતા હોવા છતાં કોઈ ચાર્જ એલાઉન્સ લેતા(એટલે કે સ્વીકારતા) નથી.
૫૩ વર્ષની ઉંમરે પણ ૩૩ વર્ષના લાગે એવી ફીટ નેસ ધરાવતા રાણા અત્યંત મહેનતું વ્યક્તિ છે.સવારે ૧૦-૩૦થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં કામગીરી કરી ત્યારબાદ ગાંધીનગરથી ૧૪૦ દુર આવેલી સ્વર્ણિમ સ્પોટ્ર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકેની કામગીરી કરવા કરવા પહોંચી જાય છે.ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરી પોતાની આગવી છાપ ઉભી કરનાર અર્જુનસિંહ રાણા રમતગમતનાં વિકાસ અને વિસ્તરણ માટે સતત સક્રિય રહે છે.
મેડિકલના ફી વધારામાં અપાયેલી રાહત એ ધારાસભ્ય કુમાર કાનાણીનો નૈતિક વિજ્ય છે!
સુરતના વરાછા રોડ વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટાતા ધારાસભ્ય કિશોર-ઉર્ફે કુમાર-કાનાણી પક્ષ કરતાં પ્રજાના પ્રશ્નોને વધારે મહત્વનાં સમજતા હોય એવું લાગે છે. તેનું કારણ એ છે કે કાનાણીએ તા.૧૨/૦૭/૨૪ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને જણાવ્યું હતું કે,સરકાર દ્વારા જી.એમ.ઈ.આર.એસ. કોલેજોમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમમાં કરવામાં આવેલા ફી વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને નાછૂટકે મેડિકલ અભ્યાસ છોડવાની પરિસ્થિતિ ઉભી થશે.
જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને જે ફી વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવા મારી આપને ભલામણ સહ વિનંતી છે. કુમાર કાનાણીનું આ તીર બરાબર નિશાન પર લાગ્યું અને ફી વધારો પાછો ખેંચી લેવાયો. કુમાર કાનાણીની આ સુટેવ છે.પ્રજાનાં અગત્યના પ્રશ્નો અંગે તેઓ લેખિતમાં રજૂઆત કરતા જરાય અચકાતા નથી.છેલ્લા એક વર્ષમાં તેઓએ પ્રજાના સળગતાં પ્રશ્નો અંગે ૧૫ પત્રો સરકારને લખ્યા છે.
સરકારમાં પરંપરા છે કે ‘લખ્યુ વંચાય’એ ન્યાયે કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પત્રો અસરકારક તો બનતાં જ હશે.ધારાસભ્ય કાનાણીની નાગરિકોના પ્રશ્નો અંગેની આ સક્રિયતા અને સંવેદનશીલતાને ‘સરકાર સામે બાંયો ચડાવવાની’ ઘટના તરીકે મૂલવવામાં આવે તો એ જોનારાની દ્રષ્ટિનો દોષ છે.જનતા તો આવું જ પ્રતિનિધિત્વ ઝંખતી હોય છે.