Western Times News

Gujarati News

વિદ્યા તેને કહેવાય કે વિદ્યાર્થીમાં અવ્યક્ત રહેલા સદ્‌ગુણોને સાકારીત કરે

પ્રતિકાત્મક

કેવી શિક્ષણ સંસ્થાઓ પ્રભુને ગમે ?

ભાવ વધારે ગુણોને ખીલવે, પ્રભુ સંબંધ સમજાવે,
ચૌદ વિદ્યા ને ચોસઠ કલા, સ્ત્રીપુરુષને જુદા ભણાવે.

આજે ઘણાં બધાં વિદ્યાધામો, શિક્ષણ સંસ્થાઓ પૂર જોશમાં ઘણી સારી સગવડો, સાધનો, પુસ્તકોસહિત વધ્યાં છે. શિક્ષણ ઘણા મોંઘા ભાવે આપણે આપતા રહ્યા છીએ. આજે ડીગ્રીઓ લેવી અને ડીગ્રીના માધ્યમથી મોટા પૈસા કમાવવા. તે માટેની કલા પ્રાપ્ત કરવા બુદ્ધિ તૈયાર કરવી તેટલો જ શિક્ષણનો હેતુ થયો છે. આને કલા કહેવાય, વિદ્યા ન કહેવાય. કલા માત્ર જીવીકાનું જ શિક્ષણ આપે છે, જીવનનું શિક્ષણ ન આપે. જીવંત જીવનનું શિક્ષણ આપે તેને વિદ્યા કહેવાય.

આપણા ઋષિ તપોવનોમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલાનું જ્ઞાન આપતા, જેના કારણે માનવનો સર્વાગીણ વિકાસ થતો. આજનું શિક્ષણ લીધેલા ડીગ્રીધારી મોટા ભાગના એમ.એ.,પીએચ.ડી. થયેલા પણ જીવનના બારામાં નાપાસ થયેલા જણાય છે. તેમને માતા-પિતા સાથે કેમ રહેવું, પત્ની સાથે કેમ રહેવું, ભાઈઓ સાથે કુટુંબ સાથે કેમ રહેવું તે સમજી શકતા નથી અને જીવનને માણી શકતા પણ નથી.

ડીગ્રીઓથી ભૌતિક વૈભવ મેળવી શક્યા છે. સારું છે વૈભવ મેળવવો ખોટો નથી પણ જીવંત જીવનની વિદ્યા ન મળવાથી હૃદય વિશાળ ન થયું. જેના કારણે ભાવ સુકાઈ ગયો છે. બુદ્ધિ વધી છે, પણ હૃદય સુકાઈ ગયું છે. મારું જીવન કોઈના માટે ન રહેતાં મારું જીવન મારા માટે જ. આવી વૃત્તિ સંકુચિત બની ગઈ જેના કારણે કુટુંબ તૂટી રહ્યાં છે. જેનું દર્શન છે આજના ઘરડાંઘરો.

આ ઘરડાઘરોમાં તપાસ કરો. ત્યાં રહેનાર ઘરડા મા-બાપો ભણેલા, ઉજળિયાત, કુળવાન, સભ્ય ગણાતા સુખી સમાજના જ છે. ખાસ કરીને વાણિયા, બ્રાહ્મણ, પટેલ કોમના જ છે. વાઘરી, ઠાકોર, હરીજન, રબારી વિગેરે ઓછું ભણેલી કોમનાં મા-બાપો નથી. આથી નક્કી થાય છે કે ભણેલા લોકોને જીવનનું શિક્ષણ આજની શિક્ષણ સંસ્થામાંથી મળતું નથી. ફક્ત જીવિકાનું, કલાનું જ શિક્ષણ મળે છે. સરસ્વતીનાં ધામોમાં વિદ્યાનું ખૂન થયું છે. ફક્ત રોટલો આપે તે વિદ્યા ન કહેવાય, કલા કહેવાય.
વિદ્યા તેને કહેવાય જે માણસને પાવન કરે, સમાધાની કરે. વિશ્વાસુ બનાવે, ભાવવાન બનાવે, ઇન્દ્રિય સ્વાધીનતા શીખવે, ઇન્દ્રિયો મારા માટે છે. હું ઇન્દ્રિયોનો માલીક છું,

હું પ્રભુપુત્ર છું તેનું ગૌરવ ઊભું કરે તેને વિદ્યા કહેવાય.

માનવજીવનમાં ૨/૩ ભાગ વિચાર અને ભાવનો છે, જ્યારે ૧/૩ ભાગ ભૂખનો છે. ઘણા કહે છે કે અમારા મા-બાપને અમે ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, દવા બધું આપીએ છીએ છતાં તેઓ ઘરમાં ટક-ટક કરે છે. તો તેનું કારણ તે છે કે આપણે ૧/૩ ભાગ ભૂખનો વિચાર કર્યો છે પણ તેમની ૨/૩ ભાગની માગણી છે તે ભાવનો વિચાર નથી કર્યો. તેમને ભાવ જોઈએ છે. હૂંફ જોઈએ છે.

પોતીકાપણાનો પ્રેમ જોઈએ છે તે આપણે નથી આપતા. આપણે આપણાં બાળકો, પત્ની સાથે કલાકો બેસીને વાતો કરી આનંદ માણીએ છીએ તેવી રીતે ઘરડા મા-બાપ જોડે પણ થોડો ટાઈમ બેસો, તો તેમની ૨/૩ ભાગની ભૂખ જે ભાવની છે તે તૃપ્ત થાય. માણસને ફક્ત ખાવા-પીવાનું આપો તે ન ચાલે તેને ભાવ-પ્રેમ-હૂંફ-પોતીકાપણાની માંગણી છે તે ન આપો તો તે અશાંત રહેવાનો જ. મા-બાપની આ માગણી છે. ફક્ત રોટલા-કપડાની નથી. આ ૨/૩ ભાગની માગણીને સમજીશું, તો મા-બાપો માટે આ ઘરડાઘરોની જરૂર જ નહિ રહે. આ ભાવજીવનનું શિક્ષણ આજના વિદ્યાલયોમાં મળતું જ નથી.

વિદ્યા તેને કહેવાય કે વિદ્યાર્થીમાં અવ્યક્ત રહેલા સદ્‌ગુણોને સાકારીત કરે. જેવા કે-કૃતજ્ઞતા, તેજસ્વીતા, અસ્મિતા, ભાવમયતા, ર્નિભયતા વિગેરે. કૃતજ્ઞતા એટલે આપણા ઉપર કરેલો પ્રેમ અને કરેલા ઉપકારોને વારંવાર યાદ કરવા માતા-પિતા, વડીલો, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને પ્રભુના કરેલા ઉપકારોને પ્રેમને વાગોળવા તો જ ભાવજીવન ખીલે. વિચાર કરો કે હું નાનો એક ફૂટનો હતો ત્યારે પથારીમાં રાત્રે જાડો-પેશાબ કરતો,

ત્યારે મારી બા શિયાળાની મીઠી ઊંઘમાંથી ઊઠી મને કેટલીય વાર સાફ કરતી. તે ભીનામાં સુતી મને કોરામાં સુવાડતી. એ જુનાં કપડાં પહેરતી મને નવાં પહેરાવતી ને શાળાએ મોકલતી. સારો નાસ્તો આપતી ગાલે બચી ભરતી. તે ઉપકાર-પ્રેમને યાદ કરવા ભગવાન હું સુઈ જાઉં ત્યારે મારો શ્વાસ ચલાવે છે, લોહી શરીરમાં સપ્રમાણ ફેરવે છે, ખાધેલું પચાવે છે, લોહી લાલ બનાવે છે, સ્મૃતિને સંભાળે છે, સવારે ઊઠતાં પાછી આપે છે. આવા વિચારો શિક્ષણ સંસ્થાઓમાં પ્રભુને કેન્દ્રમાં રાખીને અપાય તો જ માણસનો સર્વાંગીણ વિકાસ થઈ શકે, માનવતા મહેંકી ઊઠે. સમાજ સુખી-સમૃદ્ધ-ઉન્નત બની શકે.

પરંતુ કમનસીબે શિક્ષણ ઈશ્વરને બાદ કરી અપાતું હોવાથી શિક્ષણ સંસ્થાઓ, વિદ્યાધામો જાણે કે શેતાનો પેદા કરવાનાં કારખાનાં હોય તેવું લાગે છે. કાલેજના છોકરા-છોકરીઓમાં સંયમ, મર્યાદા, અદબ, વિવેક, સહિષ્ણુતા મોટાભાગે દેખાતાં નથી. કેવળ હાહા, હીહી, હોહોના જ અટકચાળાવાળાં દ્રશ્યો કોલેજ કંપાઉન્ડ આસપાસ જણાતાં હોય છે.

શું કારણ ? ઈશ્વરને છોડીને અપાતા શિક્ષણમાં સદ્‌ગુણો આવે જ ક્યાંથી. ન જ આવે. આ વાત આજના શિક્ષણશાસ્ત્રીઓ, સંચાલકો અને સરકારને
સમજવી જ રહી. બિનસાંપ્રદાયિકતાના નાતે શિક્ષણનું ખૂન થયું છે. શિક્ષણવેરામાં ખર્વો રૂપિયા લઈ તે પૈસાથી માનવતા ઊભી થાય તેવી રીતનું તપોવન પદ્ધતિનું શિક્ષણ ન અપાતું હોય તો જાણે અજાણે ચાલકો-સંચાલકો ને સરકાર પાપના માર્ગે છે.

લખેલું વાંચતાં દિગ્ભ્રાંત થવાય છે. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા ત્યાં વહે ના બદલે અત્યારે એવું લાગે છે કે ‘શાળા અમારી ભ્રષ્ટભૂમિ. દુર્ગુણો જોવા ત્યાં મળે.’ આ બધું દુઃખદ છે. શિક્ષણનો ઢાંચો બદલવો છે. બધા બૂમો પાડીએ છીએ. બધાની આ મૂંગી વેદના છે તો તે દૂર કરવા ઓછા નામે શિક્ષણમાં એક પેપર અધ્યાત્મનું તત્ત્વજ્ઞાનું ફરજિયાત કરો.

તેને ૧૦૦ માર્કનું રાખો. છોકરા-છોકરીને અલગ શિક્ષણ તપોવન પદ્ધતિથી અપાય, પુરુષને પૌરુષી ગુણો ખીલે અને તેના ધંધાના લગતું, સ્ત્રીને સ્ત્રીત્વના ગુણો ખીલે અને તેને લગતા ધંધાનું શિક્ષણ અપાય તો પુરુષ સૈણ ન બને અને સ્ત્રી પુવત ન બને. એ બન્નેનું દાંપત્યજીવન બગીચાની જેમ મહેંકી ઊઠે. સંસાર ભર્યો ભર્યો લાગે. પતિ-પત્ની લક્ષ્મી અને નારાયણ બની ઘરને સ્વર્ગ બનાવી શકે. સરસ્વતીનાં ધામોમાંથી આવા દીકરા-દીકરીઓ દૈવી શિક્ષણ લઈ સદ્‌ગુણો ખીલવી બહાર પડશે તો તેવી શિક્ષણ સંસ્થાઓ પ્રભુને જરૂર ગમશે.

જુઓ આજનું શિક્ષણ
(રાગ ઃ અરે સાંભળ યુવાન)
જુઓ આજનું શિક્ષણ થયું, ના જીવન ઘડતર;
જીવીકાના જ જ્ઞાનમાં ન સત્ત્વ રહ્યું, ઈશ્વરને છોડીને અથડાતું રહ્યું;
ધર્મનિરપેક્ષતા ધતિંગપણું છે, ભોગવાદને જડવાદપણું છે.
કૃતજ્ઞતાને વાત્સલ્ય વિનાનું થયું… ઈશ્વરને
બ્રહ્મચર્યાશ્રમની બુરી દશા છે, સંયમ, નિયમ ન ચારિત્ર્ય રહ્યું છે;
સ્વેરાચારને વિનય વિનાનું થયું… ઈશ્વરને
યુવક-યુવતી સહ શિક્ષણ થયું છે, પુવત યુવતી સ્ત્રૈણ યુવક બને છે;
તેથી દાંપત્ય કાવ્ય વિનાનું થયું… ઈશ્વરને
વિજ્ઞાન ટૅકનોલોજી છે જરૂરી, ચોસઠ કલા હતી તપોવનમાં;
ચૌદ વિદ્યા છોડીને વિનાશી થયું… ઈશ્વરને
એમ.એ.બી.એડ્‌. ડીગ્રીઓ ધરાવે, માતા પિતા જોડે રહેતાં ન આવડે;
ભાવ છોડી કેવળ ભોગવાદી થયું… ઈશ્વરને


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.