Western Times News

Gujarati News

CAA સંદર્ભે ફેલાવાઈ રહેલી ગેરસમજો અને અફવાઓ પર મુસ્લિમ વિદ્વાનોના મંતવ્યો

નાગરિકતા સુધારા અધિનિયમ ભારતના લઘુમતી નાગરિકો માટે હાનિકારક નથી

પાયાવિહીન વિરોધ દેશમાં અસ્થિરતા સર્જે છે અને ભારત દેશની છબી પણ ખરડાય છે. આથી ભારતીય મુસ્લિમોએ કોઈના કહ્યામાં આવ્યા વગર અધિનિયમની જોગવાઈઓને સમજવી જોઈએ એટલે વિરોધનું કોઈ કારણ જ નહીં રહે.

નવી દિલ્હી, તાજેતરમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયે ૨૦૧૯માં સંસદના બંને ગૃહોમાં વિધિવત્ પસાર થયેલા નાગરિકત્વ સુધારો અધિનિયમને લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્‌યું અને અધિનિયમના અમલીકરણની ઘોષણા કરી. પરંતુ એ સાથે જ આ અધિનિયમની સ્પષ્ટ જોગવાઈઓને નજરઅંદાજ કરીને કેટલાક વિઘ્‌નસંતોષીઓ દ્વારા ભારતના લઘુમતી સમુદાયના નાગરિકત્વ અધિકારોનું આ અધિનિયમ ભંગ કરશે તેવી ભ્રમણાઓ ફેલાવાઈ રહી છે.

માત્ર ને માત્ર ત્રણ પાડોશી દેશોમાંથી ભારતમાં ધાર્મિક ઉત્પીડનથી પલાયન કરીને આવેલી ત્યાંની ધાર્મિક લઘુમતીઓ માટે આ અધિનિયમ છે એવી સ્પષ્ટ જોગવાઈ છતા આવો અપપ્રચાર થઈ રહ્યો છે આ મુદ્દે કેટલાક ઇસ્લામિક વિદ્વાનોએ પોતાના સ્પષ્ટ અભિપ્રાયો રજૂ કર્યા છે. Views of Muslim Scholars on Misconceptions and Rumors Spreading Regarding CAA

ગુંટૂર આંધ્રપ્રદેશના કાઝી મોહમ્મદ ઈસ્માઈલ સમગ્ર અધિનિયમનું વિશ્લેષણ કરતા કહે છે કે આ અધિનિયમ વિશે લોકોમાં ગેરસમજ ફેલાવવા કેટલાક વિઘ્‌નસંતોષીઓ સક્રિય થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી બંધારણનો આર્ટિકલ ૩૭૧ અને ખાસ કરીને ઉત્તર પુર્વી રાજ્યોના આદિજાતિ વિસ્તારોની ઇનર લેન્ડ પરમિટ રદ કરવામાં આવશે.

પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે આ અધિનિયમ આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને હવે મણીપુરમાં લાગુ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે આર્ટિકલ ૩૭૧ એ ઉત્તર પૂર્વના આદિજાતિ નાગરિકોની ભાષાકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઓળખને જાળવવા માટે છે. અને સીએએની કોઈપણ જોગવાઈ આમેય આ આર્ટીકલનો ક્યાંય ભંગ કરતી નથી.

શ્રી મોહમ્મદ ઈસ્માઈલ કહે છે કે આ ઉપરાંત એવો પણ ભ્રમ ફેલાવાય છે કે આ અધિનિયમના કારણે બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં સ્થળાંતર કરશે. પરંતુ અહીં એ ધ્યાને લેવું જોઈએ કે અધિનિયમની જોગવાઈ મુજબ માત્ર ધાર્મિક ઉત્પીડનને કારણે પલાયન કરીને આવેલી પાડોશી દેશની હિન્દુ સહિતની ધાર્મિક લઘુમતીને ભારતમાં સંપૂર્ણ ચકાસણી બાદ ધારાધોરણ પ્રમાણે નાગરિકત્વ અપાશે અને તેની કટ ઓફ ડેટ પણ ૩૧-૧૨-૨૦૧૪ નક્કી કરવામાં આવી છે.

આસામ બાબતે પણ આવી જ ગેરસમજ ફેલાવાય છે કે ત્યાં મોટી સંખ્યામાં બંગાળી હિન્દુઓ મોટા પ્રમાણમાં આવીને વસ્તી સંતુલન અસ્થિર કરશે. પણ આ અધિનિયમ કોઈ એક રાજ્ય માટે નથી, સમગ્ર દેશ માટે છે એ યાદ રાખવું ઘટે. આમેય મોટાભાગના બંગાળી હિન્દુઓ આસામની બરાક વેલીમાં વર્ષોથી સ્થાયી થયા છે અને તેમણે ત્યાંની ભાષા અને સંસ્કૃતિને વર્ષોથી અપનાવી લીધા છે.

બર્તીયા સુફી ફાઉન્ડેશનના અધ્યક્ષ કશીશ વારસી અધિનિયમની જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરતા કહે છે કે આ અધિનિયમ માત્ર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ૩૧-૧૨-૨૦૧૪ ના રોજ કે એ પહેલા આવેલી ત્યાંની ધાર્મિક લઘુમતીઓ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીઓ માટે જ લાગુ પડે છે આ અધિનિયમને ભારતના ૧૬ કરોડ મુસ્લિમો સાથે કંઈ લેવાદેવા જ નથી.

આ ઉપરાંત આ અધિનિયમને કારણે નાગરિકીકરણના કાયદાનો ભંગ કરવાની પણ કોઈ વાત નથી. આથી કોઈ પણ મુસ્લિમ કે બિનમુસ્લિમ વ્યક્તિ બહારથી ભારતમાં આવીને સ્થાયી થવા માટે પ્રવર્તમાન કાયદા અનુસાર નાગરિકત્વની માંગણી કરી શકે છે. ભારતીય નાગરિકત્વના કાયદાની કલમ ૬ હેઠળ કોઈપણ મુસ્લિમ વ્યક્તિ ભારતમાં નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત આ અધિનિયમમાં કોઈને દેશ નિકાલની પણ જોગવાઈ જ નથી એટલે દેશના ઉત્તર પૂર્વી ભાગોમાં વિદ્યાર્થી સંગઠનો આ મુદ્દે જે વિરોધ કરી રહ્યા છે તે નિરર્થક છે.

તીનસુકીયા આસામના પ્રો.(ડૉ.) લુકમાન અલી કહે છે કે આ અધિનિયમની સ્પષ્ટ જોગવાઈઓને સમજ્યા વગર કેટલાક તત્વોએ ગેરસમજો ફેલાવી દેશમાં અને વિશેષતઃ આસામમાં અસ્થિરતા સર્જવાના પ્રયાસો કર્યા છે. ડૉ. અલી કહે છે કે ભારતીય મુસ્લિમો પોતાના નાગરિકત્વના અધિકારો આ અધિનિયમ છીનવી લેશે તેવા કાલ્પનિક ભયથી વિરોધ કરી રહ્યા હોય તો તેમણે અધિનિયમની જોગવાઈઓ સમજી લેવી જોઈએ એટલે વિરોધનું કોઈ કારણ નહીં રહે.

કારણ કે પાયાવિહીન વિરોધ દેશમાં અસ્થિરતા સર્જે છે અને દેશની છબી પણ ખરડાય છે. આથી ભારતીય મુસ્લિમોએ કોઈના કહ્યામાં આવ્યા વગર અધિનિયમની જોગવાઈઓને સમજવી જોઈએ એટલે વિરોધનું કોઈ કારણ જ નહીં રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.