વિકસિત ભારતમાં પહેલું વિકસિત રાજ્ય ગુજરાત જ હશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં Tv9 ગુજરાતીના ‘WHAT GUJARAT THINKS TODAY’ કોન્કલેવનો પ્રારંભ
શ્રી ભૂપેન્દ્ર પટેલ
- શ્રી નરેન્દ્રભાઈએ લોકહિતને પ્રાથમિકતા આપી વિકાસની રાજનીતિ કરી
- SOU, રિવરફ્રન્ટ અને રણોત્સવ વડાપ્રધાનશ્રીની દુરંદેશીનું પરિણામ
- સેમિકંડક્ટર ચીપ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હૃદય છે, ગુજરાતને સેમિકંડક્ટર ક્ષેત્રનું હૃદય બનાવવા રાજ્ય સરકાર તત્પર
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ૪૯ ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ એનાયત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ગુજરાતી ન્યૂઝ ચેનલ Tv9 ગુજરાતીના WHAT GUJARAT THINKS TODAY કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ દૃઢતાપૂર્વક જણાવ્યું હતું કે, વિકસિત ભારતમાં પહેલું વિકસિત રાજ્ય ગુજરાત જ હશે. વડાપ્રધાનશ્રીએ આપેલા તમામ કોલને સૌથી પહેલા ગુજરાતે જ ઉપાડ્યો છે. એમ જણાવતા તેમણે નરેન્દ્રભાઈના નેતૃત્વ બાદ ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું હતું કે, દેશ અને દુનિયાથી બે કદમ આગળ વિચારે તેવું નેતૃત્વ આપણને શ્રી નરેન્દ્રભાઈના રૂપે મળ્યું છે. ગુજરાતના અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્યના વિકાસ અંગે અનિશ્ચિતતાઓ પ્રવર્તતી હતી. પરંતુ શ્રી નરેન્દ્રભાઇએ સુકાન સાંભળતા વિકાસની રાજનીતિનો આરંભ થયો. તેમના નેતૃત્વમાં જનહિતને કેન્દ્રમાં રાખીને સર્વાંગીણ વિકાસ થયો છે. ગુજરાતમાં તેમણે શરૂ કરેલી અનેક પરિયોજનાઓ આજે દેશભરમાં લોકપ્રિય બની છે. આયુષ્યમાન ભારત યોજનાનું ઉદાહરણ મુખ્યમંત્રીશ્રીએ ટાંકયું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, SOU, રિવરફ્રન્ટ અને રણોત્સવ શ્રી નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વીજળી, પાણી અને રોડ રસ્તા સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે ગુજરાતની છબી સંપૂર્ણ બદલાઈ છે. આ બદલાવ એક દિવસનો નહીં પણ દાયકાઓના પરિશ્રમથી આવ્યો છે. જેના આપણે સાક્ષી છીએ. ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે પોતાની ઓળખ પ્રાથપિત કરી છે. છેવાડાના માનવીને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા મળે તે માટે તબીબી અભ્યાસમાં બેઠકો વધારીને ભવિષ્યની જરૂરિયાતને અનુસંધાને ગુજરાતે દુરોગામી આયોજન કર્યું છે.
અર્નિંગ વેલ, લિવિંગ વેલ સૂત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, તમામ વર્ગોની ઉન્નતિ માટે રાજ્ય સરકાર મક્કમ છે. દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
સેમિકંડક્ટર ચીપને ઇલેક્ટ્રોનિક ઉપકરનોનું હૃદય ગણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતને સેમિકંડક્ટર ક્ષેત્રનું હૃદય બનાવવા રાજ્ય સરકાર તત્પર છે. નવા ઉભરતા દરેક ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર રાખવા માટે વિકસિત ગુજરાત ફંડની રચના કરાઇ છે. જેના માટે કુલ રૂ. ૫૦,૦૦૦ કરોડ પૈકી રૂ.૫,૦૦૦ કરોડની જોગવાઈ પણ આ વર્ષે કરી દેવાઈ છે.
આમ, વડાપ્રધાનશ્રીએ આપેલા દરેક ધ્યેયને ગુજરાતે હાંસલ કરી બતાવ્યા છે. જેના પરિણામે નાગરિકોનો તેમના નેતૃત્વ પર ભરોસો સતત વધતો રહ્યો છે. તેમણે એક પેડ માકે નામ, મિશન લાઈફ, મેદસ્વીતા નિર્મૂલન, સ્વચ્છતા જેવા અભિયાનોમાં વ્યાપક પ્રમાણમાં જોડાવા ઉપસ્થિતોને અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફેશન ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી, મેડિકલ ફિલ્ડ, ફૂડ ઇન્ડસ્ટ્રી, સર્વિસ ઇન્ડસ્ટ્રી, શિક્ષણ ક્ષેત્ર, આર્ટ ક્ષેત્ર વગેરે જેવા ક્ષેત્રોના લોકોને ઉત્કૃષ્ટતા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકોને સન્માનિત કરવાના આયોજન બદલ Tv9 ગુજરાતીના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ પણ કોન્કલેવમાં આયોજિત ચર્ચાસત્રમાં સહભાગી થયા હતા.
આ અવસરે રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડે.મેયર શ્રી જતિન પટેલ, મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, Tv9 ગ્રુપના MDC ચેરમેન શ્રી બરુણ દાસ, Tv9 ગુજરાતીના ચેનલ હેડ શ્રી કલ્પક કેકરે તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.