અંભેલ અને લીમડીના ગ્રામજનોએે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું
દહેજ SEZ દ્વારા પખાજણ ખાતે રખાયેલ પર્યાવરણીય લોક સુનાવણીના બહિષ્કારની ચીમકી
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ અને લીમડીના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં અંભેલ અને લીમડીના ખેડૂતોની સમસ્યાના નિવારણના મુદ્દે તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.જ્યારે દહેજ SEZ દ્વારા પખાજણ ખાતે રાખવામાં આવેલ પર્યાવરણીય લોક સુનાવણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વાગરા તાલુકાના અંભેલ અને લીંમડી ગામની જમીનો વર્ષ ૨૦૨૦માં દ્વારા સંપાદિત કરવામાં આવી હોવાનું જણાવી ગ્રામજનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યુ છે કે આ સંપાદન પ્રક્રિયામાં અંભેલ ગામની સૌથી વધારે ૪૦૦ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.
હાલના સંપાદન જમીનમાં જીઆઈડીસીના વિકાસના નામે રોડ- રસ્તાનું કામ ચાલી રહ્યું છે,જે કામમાં જાહેર પાણીના વહેણો બંધ થઈ ગયા છે.જેના કારણે અંભેલ ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. જેથી જે જમીન સંપાદન થયેલી નથી,તે જમીનમાં પણ ખેડુતો ખેતીકામ કરી શકતા નથી.
તેમજ જમીન સંપાદન થવાના કારણે જે વર્ષો જૂના પગદંડીના રસ્તાઓ હતા, તે પણ હવે બંધ થઇ ગયા છે.છેલ્લા ઘણા વર્ષોથી અંભેલની કેટલીક જમીન અનુસૂચિત જનજાતિના લોકોના ખેડાણમાં છે.તેઓના બીજા હક્કમાં નામો પણ ચાલે છે.
બીજી કેટલીક જમીનો ગૌચર અને ખરાબાની છે.તો બીજી તરફ,પંચાયતને કોઈપણ જાતની જાણ કર્યા વિના જમીનોમાંથી જીઆઈડીસી દ્વારા રોડ-રસ્તાઓ, ગટર લાઇનોને કામ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે,ત્યારે આ સહિત અન્ય માળખાકીય સુવિધાઓ નહીં મળતા ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
તમામ પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામજનો લોક સુનાવણીમાં હાજર રહી શકે તે માટે લોક સુનાવણી અંભેલ ગામમાં રાખવાની માંગણી કરવામાં આવી છે.જાે લોક સુનાવણી અંભેલ ગામમાં રાખવામાં નહીં આવે તો લોક સુનાવણીનો વિરોધ કરી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.