Western Times News

Gujarati News

વિન્ટેજ કાર મ્યુઝિયમ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઊજવાયો

અમદાવાદનાં કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયાં

આધુનિક યુગમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર કરી દેશને ગૌરવ અપાવ્યું છે : સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

સમગ્ર વિશ્વમાં ૧૪૦થી વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં જિલ્લા કક્ષાની યોગદિનની ઉજવણી સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં દાસ્તાન ફાર્મમાં આવેલ વિન્ટેજ કાર મ્યુઝિયમ ખાતે યોજવામાં આવી હતી.

રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતના પુરાણો અને ધર્મગ્રંથોમાં યોગનો ઉલ્લેખ છે. ભગવાન શિવજી આદિયોગી ગણાય છે. દેશના અનેક યુગપુરુષોએ યોગનો પ્રચાર-પ્રસાર કરેલો છે. આજના આધુનિક યુગમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર કરી દેશને ગૌરવ અપાવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૪માં પ્રથમ વિશ્વ યોગ દિવસની થીમ શાંતિ અને સદભાવના હતી, જ્યારે આ વર્ષની થીમ છે વસુધૈવ કુટુંબકમ્. આ વર્ષે ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકો યોગ કરીને આ દિવસ ઊજવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં લાખો લોકો જોડાઈને નવો રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે છે, એ ગૌરવની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી બાબુભાઈ જ. પટેલ સહિતના અગ્રણીઓ ઉપરાંત અમદાવાદનાં કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા, અધિક નિવાસી કલેકટર શ્રી સુધીર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઇ હતી, જ્યારે અમદાવાદનાં અન્ય આઇકોનિક સ્થળો; ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, ઈસરો, અટીરા, આઈઆઈએમ, સાયન્સ સિટી વગેરે ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.