બોપલ-ઘુમામાં કાર, બાઈકમાં નંબર પ્લેટ બ્લેક ફિલ્મના નિયમોનો સરાજાહેર ભંગ
પોલીસ પાસે સ્ટાફ નથી કે ઈચ્છાશકિત નથી ? પ્રજા પીડાઈ રહી છે
(એજન્સી)અમદાવાદ, બોપલ-ધુમા હવે મ્યુનિસીપલ કોર્પોરેશનનો વિસ્તાર હોવા છતાં ત્યાં પોલીસતંત્ર વાહનચાલકોને તાબે થઈ ગયા હોય તેવા માહોલ જાેવા મળી રહયો છે. બોપલ-ધુમાની હદ શરૂ થાય તે પહેલા ટ્રાફીકના તમામ નિયમો પુરા થઈ જાય છે. બોપલ-ધુમામાં અસંખ્ય કાર એવી છે જે બ્લેક ફિલ્મ લગાડીને ફરે છે.
એટલું જ નહી અનેક કારમાં નંબર પ્લેટ જ નથી હોતી. અથવા તો નંબર પ્લેટ હોય છે. તેમાં નંબર લખેલા નથી હોતા. વળી કેટલીક કારની નંબર પ્લેટમાં નંબરના બદલે અવનવા લખાણ લખેલા હોય છે. આવી જ સ્થિતી બાઈકસમાં પણ છે. અનેક બાઈકસમાં નંબર પ્લેટમાં નંબરના બદલે દેવી-દેવતાઓના નામ લખેલા હોય છે.
આવા વાહનચાલકોને બેફકીરાઈથી વાહન ચલાવીને સામાન્ય જનતાનો જીવ જાેખમમાં મુકી રહયા છે. વળી તેમના વાહનો પર નંબર જ ન હોવાની ફરીયાદ નોધવામાં પણ મુશ્કેેલી પડી રહી છે. સૌથી મોટી મુશ્કેલીના એ છેકે આખા બોપલ-ધુમામાં કોઈ ચાર રસ્તે કે મુખ્ય માર્ગ પર કદી એકપણ પોલીસમેન હોતા નથી.
જેના કારણે કોઈ પ્રકારની તાત્કાલીક મદદ મળી શકતી નથી. આમ એક તરફ અમદાવાદ શહેરમાં પોલીસનો જરૂર કરતાં વધુ ત્રાસ વર્તાય છે. અને બીજી બાજુ એ જ અમદાવાદના ભાગ ગણાતા બોપલ-ધુમા પોલીસના મામલે રામભરોસે છે.