મોરક્કો સામે મળેલી હાર બાદ બેલ્જિયમમાં ભડકી હિંસા
બ્રુસેલ્સ, કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની મેચમાં મોરોક્કો સામે બેલ્જિયમની હાર બાદ રવિવારે બેલ્જિયમની રાજધાનીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. બેલ્જિયમની હારથી ભડકેલી હિંસામાં લોકોએ ઈલેક્ટ્રિક કાર અને અનેક સ્કૂટરને આગ ચાંપી દીધી હતી.
સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, સ્થાનિક પોલીસે તોફાન કરનારા ડઝનેક લોકોની અટકાયત કરી હતી. બ્રુસેલ્સના ઘણા સ્થળોએ તોફાનો થયા હતા. જેને શાંત કરવામાં પોલીસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
રમખાણો અંગે પોલીસ પ્રવક્તા ઇલ્સે વાન ડી કીરેએ જણાવ્યું હતું કે સાંજે લગભગ ૭ વાગ્યે સ્થિતિ સામાન્ય બની હતી. સંબંધિત વિસ્તારોમાં સાવચેતીભર્યું પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું.
હાલમાં પોલીસ સતત એવા તોફાની તત્વો પર ચાંપતી નજર રાખી રહી છે, જેઓ ફરી એકવાર શહેરમાં અશાંતિનું વાતાવરણ સર્જી શકે છે. પોલીસની એક ટીમ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ કરી રહી છે, જેથી રમખાણોનું સ્પષ્ટ કારણ અને કાવતરું શોધી શકાય.
પોલીસના જણાવ્યા અનુસાર તોફાનીઓ સશસ્ત્ર થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉપરાંત, તેમની પાસે ઘણી જ્વલનશીલ સામગ્રી હતી, જેની મદદથી તેઓએ ઘણા વાહનોને આગ લગાડી હતી. પોલીસે જણાવ્યું કે ફટાકડાના કારણે એક પત્રકારને પણ ચહેરા પર ઈજા થઈ હતી. વધતી હિંસાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ વોટર કેનન અને ટીયર ગેસના ઉપયોગને મંજૂરી આપી હતી.
ત્યારબાદ પરિસ્થિતિને વહેલી તકે નિયંત્રણમાં લેવામાં આવી હતી. રવિવારે ફૂટબોલ વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાયો હતો. મોરોક્કોએ બેલ્જિયમની ટીમને ૨-૦થી હરાવ્યું છે. ફિફા રેન્કિંગમાં બેલ્જિયમની ટીમ બીજા નંબર પર છે જ્યારે મોરક્કોની ટીમ ૨૨માં નંબર પર છે, પરંતુ આ મેચમાં મોરોક્કોએ બેલ્જિયમની ટીમને ૨-૦થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે.
ફૂટબોલ વર્લ્ડ કપમાં મોરોક્કોની આ પ્રથમ જીત છે. આ પહેલા ક્રોએશિયા સામે મોરોક્કોની પ્રથમ મેચ ડ્રો રહી હતી. જ્યારે બેલ્જિયમે પોતાની પ્રથમ મેચમાં કેનેડાને ૧-૦થી હરાવ્યું હતું.SS1MS