ટ્રમ્પ, મસ્કની નીતિઓ સામે સમગ્ર યુએસમાં ઉગ્ર દેખાવો

વોશિંગ્ટન, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકાર ઇલોન મસ્કની નીતિઓનો વિરોધ કરવા માટે અમેરિકાના મોટાભાગના શહેરોની શેરીઓમાં હજારો લોકો ઉમટી પડ્યાં હતા અને ઉગ્ર વિરોધ કર્યાે હતો.
વોશિંગ્ટન, ન્યુ યોર્ક, હ્યુસ્ટન, ફ્લોરિડા, કોલોરાડો અને લોસ એન્જલસ સહિત ૧૨૦૦થી વધુ જગ્યાઓ પર વિરોધ રેલીનું આયોજન કરાયું હતું. વોશિંગ્ટનમાં, હજારો વિરોધીઓ નેશનલ મોલ પર એકઠા થયા હતાં જ્યાં ડઝનબંધ વક્તાઓએ ટ્રમ્પનો વિરોધ કર્યાે હતો.
ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા પછી શનિવારના દેખાવો સૌથી મોટા હતાં. સરકારી કર્મચારીઓની છટણી, અર્થતંત્ર, માનવાધિકાર સહિતના મુદ્દે ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરાયો હતો. ૧૫૦થી વધુ સંગઠનોએ તમામ ૫૦ રાજ્યોમાં ૧,૨૦૦થી વધુ જગ્યાએ ‘હેન્ડ્સ ઓફ’ આંદોલન કર્યું હતુ.
આ સંગઠનમાં નાગરિક અધિકાર સંગઠન, કર્મચારી યુનિયન, એલબીજીટીક્યુ પ્લસ વાજબી ચૂંટણી કાર્યકર્તા વગેરેનો સમાવેશ થાય હતો. આ વિરોધ રેલીઓ એકંદરે શાંતિપૂર્ણ રહી હતી અને કોઇની ધરપકડ કે અટકાયતના અહેવાલ મળ્યાં ન હતાં.
હજારો સરકારી કર્મચારીઓની છટણી, સામાજિક સુરક્ષા વિભાગની ફિલ્ડ ઓફિસો બંધ કરવી, કેટલીક એજન્સીઓના પાટિયા પાડી દેવા, ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા, ટ્રાન્સજેન્ડર લોકોની સુરક્ષામાં ઘટાડો અને આરોગ્ય યોજનાના ફંડમાં ઘટાડો જેવા નિર્ણયોનો વિરોધ થયો હતો.
ટ્રમ્પ સલાહકાર અને ટેસ્લા, સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠના માલિક મસ્ક સરકારી કર્મચારીઓની છટણીમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ નવા બનાવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા તરીકે ખર્ચકાપના આકરા પગલાં લઈ રહ્યાં છે.
નવા વહીવટીતંત્રે સત્તા સંભાળી ત્યારથી વિરોધીઓ ટ્રમ્પ અથવા મસ્ક વિરુદ્ધ અનેક વખત દેશવ્યાપી દેખાવો કર્યા છે. વિરોધ પ્રદર્શનો અંગે વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પનું વલણ સ્પષ્ટ છે. તેઓ હંમેશા લાયક લાભાર્થીઓ માટે સામાજિક સુરક્ષા, મેડિકેર અને મેડિકેડનું રક્ષણ કરશે.SS1MS