નેપાળમાં રાજાશાહીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર હિંસાઃ બેનાં મોત

કાઠમાંડુ ,ઃ નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માગ સાથે હજારો લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કરી રહી છે. જેને પગલે નેપાળના અનેક વિસ્તારોમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે.
પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો સાથે જ રબરની ગોળીઓ ચલાવી હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે નેપાળ સેનાને રસ્તા પર ઉતારવામાં આવી છે.
આ ઘર્ષણમાં બેનાં મોત જ્યારે ૩૦ને ઇજા થઇ છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર પ્રદર્શનકારીઓએ સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ કર્યાે હતો સાથે જ પોલીસ પર પથ્થરમારો કર્યાે હતો.
જવાબમાં પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો અને રબરની ગોળીઓ ચલાવી હતી જેનાથી પ્રદર્શનકારીઓ વધુ ભડકી ગયા હતા અને બિઝનેસ શોપિંગ મોલ, રાજકીય પક્ષોની ઓફિસો, મીડિયા હાઉસ વગેરેમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ૧૨થી વધુ પોલીસ જવાનો ઘવાયા હતા. હાલ જે પ્રદર્શન ચાલી રહ્યું છે તેમાં નેપાળના કેટલાક રાજાશાહી પરિવાર પણ જોડાયેલા છે.
હજારો પ્રદર્શનકારીઓએ નેપાળનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને પૂર્વ રાજા ગ્યાનેંદ્ર શાહની તસવીર સાથે સાથે રાજા આવો દેશ બચાવો, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, હમે રાજાશાહી વાપસ ચાહીએ જેવા નારા લગાવ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ હિંસા ભડકાવનારા અનેક લોકોની અટકાયત કરાઇ છે જ્યારે કરફ્યૂના ઉલ્લંઘન બદલ અનેક યુવાઓની ધરપકડ પણ કરાઇ છે.
વર્ષ ૨૦૦૮માં નેપાળ સરકારે સંસદમાં કાયદો પસાર કરીને રાજાશાહીને ખતમ કરી નાખી હતી. જેને પગલે નેપાળ ભારતની જેમ એક લોકશાહી શાસનવાળો દેશ બની ગયો હતો. એવામાં હવે હાલની સરકારના ભ્રષ્ટાચાર અને નપળા શાસનને કારણે ફરી રાજાશાહીની માગણી તિવ્ર બની છે.
પ્રદર્શનકારીઓનો દાવો છે કે ૯ માર્ચના રોજ ગ્યાનેંદ્રનું સ્વાગત કરવા માટે ચાર લાખથી વધુ લોકો એકઠા થયા હતા, જ્યારે સમાચાર એજન્સીઓના દાવા મુજબ દસ હજાર લોકો એકઠા થયા હતા.
નેપાળમાં વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધી ૧૩ વખત સરકારો બદલાઇ ચુકી છે, વારંવાર સરકારો બદલાવી અને ભ્રષ્ટાચાર, નબળી આર્થિક સ્થિતિ, બેરોજગારી, ગરીબી આ બધી બાબતોને કારણે જનતાનો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને તેથી રાજાશાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શન હવે હિંસક સ્વરુપ લઇ ચુક્યું છે.SS1MS