અયોધ્યામાં વિરોધ થતાં VIP દર્શન સિસ્ટમ બંધ કરવામાં આવશે
અયોધ્યામાં રામલલાના દર્શન કરવાનું સરળ બનશે
(એજન્સી)અયોધ્યા, અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા પછી દર્શનની વ્યવસ્થામાં પહેલી વખત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી અહીં આવતા દર્શનાર્થીઓને પણ પાસ મળી શકશે જેથી તેઓ સરળતાથી રામલલાના દર્શન કરી શકશે. અહીં જે વીઆઈપી સિસ્ટમ હતી તેની સામે વિરોધ હોવાના કારણે વીઆઈપી સિસ્ટમ બંધ કરવામાં આવશે. આ કામ માટે સાત સભ્યોની એક ટીમ પણ બનાવવામાં આવી છે.
રામ મંદિરનું ઘણું કામકાજ હજુ બાકી છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ મોટી સંખ્યામાં લોકો રામ લલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. જે લોકો દરરોજ રામલલાના દર્શન કરવા તલપાપડ છે તેમને ટૂંક સમયમાં પાસ જારી કરવામાં આવશે.
આ ઉપરાંત તમામ ભક્તો માટે અલગ લાઈન પણ બનાવવામાં આવશે જેથી તેમને લાઈનમાં કોઈ તકલીફ પડે. જોકે, તેના માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સંતોએ પણ આ નવી વ્યવસ્થાને આવકાર આપ્યો છે.
રામ મંદિરના ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે એવા સંતો અને સામાન્ય લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેઓ રોજ રામ લલ્લાના દર્શન કરવા માંગે છે. તેના માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સંતો-મહંતોનો સંપર્ક કરી તેમને ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી તેમના આધાર કાર્ડની કોપી પણ લેવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં તેમને પાસ આપવામાં આવશે. પાસમાં તમામ જરૂરી ગાઇડલાઇન્સ પણ આપવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે આ વ્યવસ્થા માત્ર સંતો-મહંતો પૂરતી મર્યાદિત નથી. સામાન્ય લોકો પણ તેનો આસાનીથી લાભ લઈ શકે છે. અયોધ્યાના લોકો પણ રામ લલાના દર્શન માટે આતુર હોય તો તેઓ રામમંદિર ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે છે. થોડા જ દિવસોમાં અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે. આ માટે કર્મચારી તૈનાત કરી રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવશે.