Western Times News

Gujarati News

વિરમગામ, ધોળકા, ધંધુકા અને બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં PMJANMAN કેમ્પ યોજાશે

અમદાવાદ જિલ્લામાં આગામી તા. ૧૭મી જૂનથી ૨૦ જૂન સુધી PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત સેચ્યુરેશન કેમ્પ યોજાશે

આધાર કાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ-PMJAY, જાતિ પ્રમાણપત્ર, PM કિસાન, જનધન ખાતા સહિતના વિવિધ લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનું મહાઅભિયાન

અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન-PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત આગામી તા. ૧૭ જૂનથી ૨૦ જૂન સુધી વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ અનુસૂચિત જનજાતિના અને ખાસ કરીને પઢાર જાતિના લોકો તથા અન્ય નાગરિકો સુધી પહોંચાડવા સેચ્યુરેશન કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે.

ભારત સરકારના જનજાતિય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા.૧૫ જૂનથી તા.૩૦ જૂન સુધી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન-PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં વસતા અનુસૂચિત જનજાતિના નાગરિકો સુધી જનહિતકારી યોજનાઓ અને સુવિધાઓ પહોંચાડવાના ઉમદા આશયથી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આગામી તા.૧૭મી જૂનના રોજ વિરમગામ તાલુકાના શાહપુર, ધંધુકા તાલુકાના ખસ્તા, ધોળકા તાલુકાના અંધારી અને બાવળા તાલુકાના શિયાળ ગામે સેચ્યુરેશન કેમ્પ યોજાશે. જ્યારે તા. ૧૯મી જૂને બાવળા તાલુકાના દેવડથલ ગામે અને તા. ૨૦મી જૂનના રોજ બાવળા તાલુકાના દુર્ગી ગામે સેચ્યુરેશન કેમ્પ યોજાશે.

આ સેચ્યુરેશન કેમ્પમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ-PMJAY, જાતિ પ્રમાણપત્ર, પીએમ કિસાન, જનધન ખાતા જેવા વિવિધ લાભો પહોંચાડવા ઉપરાંત સિકલ સેલ રોગો અંગે જાગૃતિ લાવવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

જેથી જિલ્લાના અનુસૂચિત જનજાતિના નાગરિકો અને ખાસ કરીને પઢાર જાતિના નાગરિકો સહિત તમામ લોકોને આ કેમ્પનો પૂરતો લાભ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરશ્રી સુજિત કુમાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.