Western Times News

Gujarati News

વિરમગામ ખાતે સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદરૂપે સુખડી વિતરણ કરાયું

રામમહેલ મંદિરના મહામંડલેશ્વર રામકુમારદાસ બાપુ ઉપસ્થિત રહ્યા : સીએમએમ ભારત દ્વારા વિરમગામના ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સીએમએમ ભારત દ્વારા વિરમગામના ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ૨૦ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી અને બાકીના ૮૦થી વધુ સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સુખડી પહોંચાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામના રામમહેલ મંદિરના મહામંડલેશ્વર રામકુમાર દાસ બાપુ,

સીએમએમ ભારત ના વંદના નીલકંઠ વાસુકિયા, ડો.વિરલ વાઘેલા, ગૌરીબેન મકવાણા, આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સુખડી વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મગનલાલા રાણા,

દિલીપ મકવાણા, શેઠ હેતલભાઇ કંદોઇ, ડો.ધારા પટેલ સહિતના દાતાઓએ અમુલ્ય સહકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, સગર્ભાવસ્થા દરમ્યાન સાંકર, વરીયાળી વાળુ દુધ, જેઠી મધ વાળુ દુધ, માખણ, ઘી, મધ, જુના ચોખા, સંચળ યોગ્ય માત્રામાં લેવુ જાઇએ. છઠ્ઠા માસે ગોખરૂવાળુ દુધ લેવુ જોઇએ.

મગ, મગનું પાણી, કઠોળ, સિંગ, સુખડી, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઇએ. જે ધાત્રી માતાને ધાવણ ન આવતુ હોય તો શતાવરી યુક્ત દુધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય માત્રામાં આયર્ન, ફોલીક એસીડ તથા કેલ્શીયમની ટેબલેટ લેવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૩ તપાસ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં કરાવવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન પોતાની ઋચી અનુસારના પુસ્તકો તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.