5 લોકો પાસેથી 20 લાખ ઠગ વિરમસિંહ પડાવ્યા: વધુ એક ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપીને અસંખ્ય લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ વિરમસિંહ રાઠોડ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આરોપી વિરમસિંહની ઝોન-૧ પોલીસે ધરપકડ કર્યા બાદ તેની સામે ખાડિયા પોલીસે ગુનો નોંધ્યો હતો. જે બાદ વધુ પાંચ ભોગ બનનાર સામે આવતા આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
આરોપી પોતે સચિવાલયમાં મકાન વિભાગમાં હોવાનું કહીને મકાન ફાળવી આપવાના બહાને ૨૦ લાખ લઇ ચૂક્યો હતો. બાદમાં આરોપીએ ખોટી ઇન્ડેક્સ કોપી આપીને ભોગ બનનારને મામલતદાર કચેરી લઇ જઇને બહાના બતાવ્યા હતા.
આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પોલીસ વધુ તપાસ કરશે. વેજલપુરના પ્રદીપકુમાર કુમાવતને નવેમ્બર માસમાં તેમના ઓળખીતા વ્યક્તિએ વિરમસિંહ રાઠોડ પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવે છે તેવી વાત કરી હતી.
જેથી પ્રદીપકુમારે ઠગ વિરમસિંહ સાથે મુલાકાત કરી હતી. વિરમસિંહે પોતે ગાંધીનગર સચિવાલયમાં મકાન વિભાગમાં અધિકારી હોવાનું કહીને મકાન ફાળવણીનું કામ કરતો હોવાનું કહીને જાળ બિછાવી હતી. બાદમાં મકાનના ૧૨.૪૦ લાખ રૂપિયા થશે તેમ કહીને જરૂરી ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. આરોપીએ મ્યુનિ.નું ફોર્મ આપીને સહીઓ પણ કરાવી હતી.
બાદમાં સાયન્સ સિટી પાસેના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે મકાનની ફાળવણી થશે તેમ કહીને ચાર લાખ મેળવી લીધા હતા. જ્યારે આરોપીએ ખોટી ઇન્ડેક્સ કોપી આપતા પ્રદીપકુમારને શંકાઓ ઉપજી હતી. જે બાબતે પૂછપરછ કરતા આરોપીએ બહાના બતાવ્યા હતા. બાદમાં ગોતા મામલતદાર ઓફિસે પ્રદીપકુમારને બોલાવીને સર્વર ડાઉન હોવાનું અને સાહેબ ન હોવાનું કહીને મકાન ન અપાવીને ઠગાઇ આચરી હતી.
આ મામલે આનંદનગર પોલીસે અરજી લઇને તપાસ કરતા આરોપીએ પ્રદીપકુમાર, મુકેશસિંગ રાજપુરોહિત, પાર્થ મેવાડા, પુષ્પાબેન મેવાડા અને નીકીતાબેન પ્રજાપતિ પાસેથી કુલ રૂ.૨૦ લાખ મેળવીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. ઝોન-૧ પોલીસે આરોપી વિરમસિંહ રાઠોડની ધરપકડ કર્યા બાદ હવે આનંદનગર પોલીસે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.