વિરાટની ધમાકેદાર ઈનિંગ્સથી અનુષ્કાનો ફોન સતત રણકતો રહ્યો
વિકી કૌશલ, વરુણ ધવન, નીતૂ કપૂર, કરીના કપૂર, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચને કોહલીના વખાણ કર્યા
મેલબોર્ન, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની ખુશીનો કોઈ પાર નથી. સાથે જ આખા ભારત દેશમાં ખુશી અને સંતોષની લાગણી છે કારણકે વિરાટ કોહલીએ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી.
ભારત સામે ૧૬૦ રનનો લક્ષ્યાંક હતો જે પૂરો કરવામાં વિરાટના ૮૨ રનનો ફાળો રહ્યો છે. વિરાટ ૮૨ રન સાથે અણનમ રહ્યો અને તેના શાનદાર પર્ફોર્મન્સે ભારતને જીત અપાવી હતી. વિરાટ કોહલીના લીધે ભારતવાસીઓની દિવાળી સુધરી થઈ છે. ત્યારે મિત્રો અને ઓળખીતા લોકો અનુષ્કા શર્માને ફોન કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેઓ તેને પતિ વિરાટના શાનદાર પર્ફોર્મન્સ માટે અભિનંદન આપી રહ્યા છે.
વિરાટ કોહલીએ મેચ જીત્યા પછી બ્રોડકાસ્ટર સાથેની વાતચીતમાં આ અંગેનો ખુલાસો કર્યો હતો. વિરાટ કોહલીએ જણાવ્યું કે, તેણે જીત પછી અનુષ્કા શર્મા સાથે ફોન પર વાત કરી હતી. અનુષ્કાએ વિરાટને કહ્યું કે, તેને તેના પર ખૂબ ગર્વ છે. વિરાટે જણાવ્યું, “મેં મારી પત્ની અનુષ્કા સાથે વાત કરી અને તે ખૂબ જ ખુશ હતી.
તેણે મને ફક્ત એક વાત જણાવી કે- ‘લોકો ખૂબ ખુશ છે. તે ખુશી વ્યક્ત કરવા માટે મને ફોન કરી રહ્યા છે, મને સમજાતું નથી શું કરવું જાેઈએ.’ એટલે મને નથી ખબર કે બહાર શું થઈ રહ્યું છે. મારું કામ આ ફિલ્ડ પરનું છે.”
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ્સથી ભારત જીતી જતાં બોલિવુડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેના વખાણ કર્યા હતા. વિકી કૌશલ, વરુણ ધવન, નીતૂ કપૂર, કરીના કપૂર, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન, ફરહાન અખ્તર, સંજય કપૂર, રિતેશ દેશમુખ, અંગદ બેદી સહિત કેટલાય સેલેબ્સે કિંગ કોહલીના વખાણ કર્યા હતા અને તેને અભિનંદન પાઠવ્યા હતા.
અનુષ્કા શર્માએ પણ પતિ માટે ઈમોશનલ પોસ્ટ લખી હતી અને કેટલીક તસવીરો શેર કરી હતી. અનુષ્કાએ દીકરી વામિકા સાથે આ રોમાંચક મેચ જાેઈ હતી ત્યારે પોસ્ટમાં તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અનુષ્કાએ લખ્યું હતું, “તું સુંદર છે, તું અત્યંત સુંદર છે. તું આજની રાત્રે લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવ્યો છે અને તે પણ દિવાળીની આગલી સાંજે.
તું અદ્ભૂત વ્યક્તિ છે મારા પ્રેમ. તારી ધીરજ, દૃઢ સંકલ્પ અને વિશ્વાસ અતુલ્ય છે. હું એમ કહી શકું કે મેં હાલમાં જ મારા જીવનની શ્રેષ્ઠ મેચ જાેઈ છે. જાેકે, આપણી દીકરી એ સમજવા માટે ખૂબ નાની છે કે તેની મમ્મી કેમ નાચી રહી હતી અને ચીસો પાડતી હતી.
પરંતુ એક દિવસ તે સમજી જશે કે એ રાત્રે તેના પિતાએ પોતાના કરિયરની શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી હતી. આ એક એવા તબક્કા પછી આવી હતી જે તેના માટે ખૂબ મુશ્કેલ હતો અને તેમાંથી તે વધુ મજબૂત અને સમજદાર થઈને બહાર નીકળ્યો હતો. મને તારા પર ગર્વ છે અને તારી શક્તિ ચેપી છે. મારા પ્રેમ તું અમર્યાદિત છે. હંમેશા તને પ્રેમ કરીશ અને દરેક પરિસ્થિતિમાં તારી સાથે રહીશ.”
ઉલ્લેખનીય છે કે, ટી-૨૦ વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને ૪ વિકેટે હાર આપી હતી. વિરાટ કોહલીએ ૫૩ બોલમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ૮૨ રન ફટકાર્યા હતા. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને સાતમી ઓવરમાં ૩૧ રનના સ્કોરે ચાર બેટ્સમેન આઉટ થઈ ગયા હતા.
પરંતુ બાદમાં કોહલી અને હાર્દિકે મોરચો સંભાળ્યો હતો. હાર્દિકે ધીમી ઈનિંગ્સ રમીને કોહલી સાથે ૧૧૩ રનની ભાગીદારી કરી હતી. વિરાટ છેક સુધી મેદાન પર ટકી રહ્યો હતો અને ભારતને જીત અપાવીને જ પાછો ફર્યો હતો.