Western Times News

Gujarati News

૧૦ વર્ષ બાદ ટોપ-૨૦માંથી બહાર થયો વિરાટ કોહલી

ICC ટેસ્ટ રેન્કિંગમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને નુકસાન-૨૦૧૪ બાદ પ્રથમવાર આવું બન્યું છે, જ્યારે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-૨૦માંથી બહાર થઈ ગયો છે.

દુબઈ,  સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને બુધવારે આઈસીસીએ જાહેર કરેલા લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-૨૦માંથી બહાર થયો છે. ૨૦૧૪ બાદ પ્રથમવાર આવું બન્યું છે, જ્યારે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-૨૦માંથી બહાર થઈ ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં માત્ર ૯૩ રન બનાવ્યા હતા. કોહલી હવે આઈસીસી ટેસ્ટ રેન્કિંમાં ૨૨માં સ્થાન પર છે.

ભારતીય અનુભવી બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે સમાપ્ત થયેલી સિરીઝમાં ફ્લોપ રહ્યાં હતા અને સસ્તામાં આઉટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ ટીમ હતી, જેણે ભારતને તેના ઘરમાં ૩-૦થી કારમો પરાજય આપ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે ૨૬માં સ્થાને છે.

ટેસ્ટ બેટરોના રેન્કિંગમાં ટોપ પર જો રૂટ છે, તેણે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. રૂટ બાદ કેન વિલિયમસન અને હેરી બ્રૂક છે. ભારતના યુવા બેટર યશસ્વી જાયસવાલને પણ એક સ્થાનનું નુકસાન થયું અને તે ચોથા સ્થાને ખસી ગયો છે. વિકેટકીપર બેટર રિષભ પંતને પાંચ સ્થાનનો ફાયદો થયો અને તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે.

જ્યારે શુભમન ગિલ ૧૬માં સ્થાને છે. ભારતનો અનુભવી સ્પિનર રવિન્દ્ર જાડેજા લેટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આર અશ્વિન પાંચમાં સ્થાને છે. જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં ૧૦ વિકેટ લીધી હતી. વોશિંગટન સુંદર ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ૪૬માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે એજાઝ પટેલ ૨૨માં સ્થાન પર પહોંચ્યો છે. એજાઝને ૧૨ સ્થાનનો ફાયદો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.