કોન્સ્ટાસ સાથે ઘર્ષણ બદલ વિરાટ કોહલીને ૨૦ ટકા મેચ ફીનો દંડ
કોહલીને હવે મેચ ફીના રૂ.૧૨ લાખ જ મળશે
મેલબોર્નમાં બોક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે જ વિવાદ, કોન્સટાસ-વિરાટ કોહલીની ટક્કરથી માહોલ ગરમાયો
મેલબોર્ન,ભારતીય ટીમના સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી તેમજ ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસ વચ્ચે ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે જ મેદાન પર ટક્કર થઈ હોવાથી વાતાવરણ થોડીવાર માટે ગરમાયું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ગુરુવારથી મેલબોર્નમાં સિરીઝની ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સેમ કોનસ્ટાસે ડેબ્યુ કર્યું હતું. ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન ઓપનર સેમ કોન્સ્ટાસ ૧૦મી ઓવર બાદ પિચની વચ્ચે અથડાયા હતા. પિચ ઓળંગતી વખતે કોહલી અને કોન્સ્ટાસના ખભાની ટક્કર થઈ હતી. અગાઉ સેમ કોન્સ્ટાસે ઓસ્ટ્રેલિયા તરફથી મક્કમ શરૂઆત કરી હતી અને તેણે બુમરાહની ઓવરમાં બે બાઉન્ડ્રી તથા એક છગ્ગો ફટકાર્યાે હતો. કોહલી અને કોન્સ્ટાસ વચ્ચે ઘર્ષણ બાદ ઉગ્ર શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.
આને લઈને માહોલ ગરમાયો હતો પરંતુ અન્ય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ખ્વાજા તથા ગ્રાઉન્ડ અમ્પાયરે મધ્યસ્થી કરીને બન્ને ખેલાડીઓને છૂટા પાડ્યા હતા. આ ઘટનાને લઈને ભારતીય બેટ્સમેન કોહલી સામે આઈસીસી આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.કોહલીને ૨૦ ટકા મેચ ફીનો દંડ કરાયો હતો તથા એક ડીમેરિટ પોઈન્ટ પણ અપાયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયર જોએલ વિલસન તથા માઈકલ ગોગ અને થર્ડ અમ્પાયર શરફુદોલ્લાહ ઈબને શાહિદ તથા ફોર્થ અમ્પાયર શાન ક્રેગે કોહલીને આ દંડ કર્યાે હતો. વિરાટ કોહલીએ મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટ સમક્ષ દિવસના અંતે કબૂલાત કરી હતી.આઈસીસીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, કોહલી અને કોન્સ્ટાસ વચ્ચેના વિવાદમાં કોહલી વિરુદ્ધ આઈસીસી આચારસંહિતાના અનુચ્છેદ એકના ઉલ્લંઘન બદલ કોહલીને ૨૦ ટકા મેચ ફીનો દંડ તથા એક ડીમિરેટ પોઈન્ટ અપાયો હતો.
કોહલીએ મેચ રેફરી સમક્ષ પોતાના પરના આરોપની કબૂલાત કરતા કોઈ સુનાવણી હાથ ધરાઈ નહતી. દિવસની રમતના અંતે કોન્સ્ટાસે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોહલી તેની વચ્ચે આવ્યો હતો પરંતુ તે ઈરાદાપૂર્વકની ચેષ્ટા ન હતી. ઓવર સમાપ્ત થઈ હોવાથી હું મારા ગ્લવ્ઝ સરખા કરી રહ્યો હતો અને તે અચાનક વચ્ચે આવી ગયો હતો. ક્રિકેટમાં તણાવ રહેતો હોય છે અને આવી ઘટના બનતી રહે છે તેમ યુવા કાંગારૂ બેટ્સમેને જણાવ્યું હતું. બાદમાં બન્ને આવેશમાં આવ્યા હતા.
આઈસીસીની આચારસંહિતા મુજબ રમત દરમિયાન કોઈપણ પ્રકારનો શારીરિક સંપર્ક અયોગ્ય છે. જો કોઈ ખેલાડી ઈરાદપૂર્વક, બેદરકારી અને અવગણના કરીને અન્ય ખેલાડી કે અમ્પાયર તરફ ઘસી જાય અથવા ખભો ટકરાવે છે તો તે આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાશે. ભારતના સહાયક કોચ અભિષેક નાયરે પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. વિરાટ કોહલીની એક ટેસ્ટ મેચ માટેની ફી રૂ.૧૫ લાખ છે. કોન્સ્ટાસ વિવાદને પગલે તેને મેચ ફીના ૨૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે તેની મેચ ફી ઘટીને રૂ.૧૨ લાખ થશે. ૨૦૧૯ બાદ કોહલીને સૌપ્રથમ વખત ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો છે. બે વર્ષના સમયગાળામાં કોઈ ખેલાડીને ચાર ડીમેરિટ પોઈન્ટ્સ મળે છે તો તેને એક ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ss1