વીરેન્દ્ર સેહવાગના ભાઈની ચંડીગઢ પોલીસે ધરપકડ કરી

ચંદીગઢ, ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગનો ભાઈ વિનોદ સેહવાગ હાલમાં જેલમાં કેદ છે. ૭ કરોડ રૂપિયાની લેવડ-દેવડના કેસમાં કોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કર્યો હતો અને પછી ત્યાંથી બુડૈલ જેલમાં ધકેલી દેવાયો હતો. તે છેલ્લા એક અઠવાડિયાથી જેલમાં કેદ છે અને ગઈકાલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
આ મામલો ૨૦૧૮નો હતો જ્યારે હિમાચલ પ્રદેશના બદ્દીમાં શ્રી નૈના પ્લાસ્ટિક નામની કંપનીએ જાલ્ટા કંપની પાસેથી સામાન મગાવ્યું હતું. આ ડીલ હેઠળ જાલ્ટા કંપનીએ કુલ ૭ કરોડ રૂપિયાના ૭ ચેક ઈશ્યૂ કર્યા હતા. પણ આ ચેક બેન્કમાં જમા કર્યા તો પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો.
આરોપ છે કે નૈના પ્લાસ્ટિક કંપનીએ જ્યારે જાલ્ટા કંપનીનો સંપર્ક સાધ્યો તો પણ પેમેન્ટ ન ચૂકવાયું. તેના પછી કાનૂની નોટિસ મોકલી ૧૫ દિવસમાં પૈસાની માગ કરવામાં આવી તેમ છતાં પેમેન્ટ ન મળ્યું. મજબૂર થઇને નૈના પ્લાસ્ટિકે ૨૦૧૮માં જાલ્ટા કંપની અને ત્રણ ડિરેક્ટર વિષ્ણુ મિત્તલ, સુધીર મલ્હાત્રા અને વિનોદ સેહવાગ સામે કેસ દાખલ કરાવ્યો હતો.
૨૦૧૮-૨૦૧૯ દરમિયાન આ મામલે નીચલી અદાલતોમાં સુનાવણી કરાઈ અને જામીનપાત્ર તથા પછીથી બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ થયા. ૨૨ જુલાઈ ૨૦૧૯ના રોજ વીરેન્દ્ર સેહવાગનો ભાઈ વિનોદ સેહવાગે કોર્ટમાં અપીલ કરી અને ૨ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મેળવી લીધા. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૧૯માં સેશન કોર્ટના સમન્સને પડકાર્યો અને કોર્ટમાં દાવો કર્યો કે હું ન તો કંપનીનો ડિરેક્ટર છું અને ન તો કર્મચારી.SS1MS