વિરપુર-મહેસાણા વાયા સાઠંબા-મોડાસા બસ બંધ થવાથી ચાર જિલ્લાના લોકોને હાલાકી…!
રૂટના વિધાર્થીઓ તેમજ મુસાફરોએ મહેસાણા ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં પરિણામ શુન્ય..!!
(પ્રતિનિધિ) બાયડ, મહેસાણા ડેપો દ્વારા છેલ્લા ૪૫ વર્ષથી નિયમિત ચાલતી એસટી બસ અચાનક બંધ કરી દેતાં વિધાથીઓ સહિતના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે વિરપુર રાત્રિ રોકાણની બસ વિરપુરથી વહેલી સવારે સાઠંબા મોડાસા થઈ મહેસાણા જવા માટે એક માત્ર બસ ચાલુ હતી. જે હાલ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા એમ ચાર જિલ્લાના અનેક લોકોના માટે આર્શીવાદ સમાન બસ હતી. આ બસ અચાનક બસ બંધ કરી દેતાં હાલાકી પડી છે.
વિદ્યાર્થીઓ, અનેક લોકો સહિત મહેસાણા બાજુ વસતા સગાસંબંધીઓ તેમજ કામ ધંધા માટે કાયમી અવર જવર કરતા લોકો માટે એક માત્ર બસ વિરપુર બાજુ આવતી હોય અને મહેસાણા જવા માટે બસ હતી.
જેની આવક પણ ખૂબ સારી હોવા છતાં મહેસાણા બસ ડેપોની મનમાની અને અણ આવડતને લઇ અસંખ્ય વિદ્યાર્થીઓ સાથે અનેક મુસાફરો અટવાઈ ગયા હોવાની બૂમ ઉઠવા પામી છે. આ રૂટના વિદ્યાર્થીઓ તેમજ રોજીંદા મુસાફરો દ્વારા અનેક વાર મહેસાણા ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ના મળ્યાનું પણ મુસાફરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
જ્યારે મહેસાણા ડેપોએ ૪૫ વરસ જૂની ચાલતી અને સારી આવક ધરાવતી બસ બંધ કરી દેતાં ચાર જીલ્લાના વિદ્યાર્થીઓ અને રોજીંદા મુસાફરોને હેરાન પરેશાન કરવા અને એસટી નિગમને નુકસાન પહોંચાડી શું સાબિત કરવા માગે છે…?? તે આમ પ્રજાનો પ્રશ્ન છે? ૨૫ દિવસથી બંધ કરેલ બસ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી મુસાફર જનતાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.