Western Times News

Gujarati News

વિઝા, વોટર અને વાઘા બોર્ડર પાકિસ્તાન માટે બંધઃ સિંધુ જળ સંધિ રદ

ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી-પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકમાં ભારત છોડવા આદેશ- અટારી ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ

નવી દિલ્હી, ભારતના સૌથી વધુ આકર્ષિત પ્રવાસન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં ર૬ ભારતીય નાગરિકોના મૃત્યુ નીપજયા હતાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની તેમની મુલાકાત ટુકાવી મોડી રાત્રે ભારત પરત ફર્યા હતાં

અને તબક્કાવાર બેઠકો યોજી હતી. બુધવારે સાંજે ૬ વાગ્યે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સીસીએસની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને તેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે તેથી ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે પ્રારંભમાં કેટલાક ડીપ્લોમેટીક નિર્ણયો લીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની મળેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, એનએસએ અજીત ડોવાલ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં આ સમગ્ર ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને માર્યા ગયેલા નાગરિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સમગ્ર વિશ્વમાં આ ઘટનાની ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે આ વખતે ભારત શું જવાબ આપે છે તેના પર તમામની નજર મંડાયેલી છે

આ દરમિયાનમાં મળેલી સીસીએસની બેઠકમાં સૌ પ્રથમ પાકિસ્તાનને ડીપ્લોમેટીક રીતે ઘેરવાનો નિર્ણય લેવાયો હતો અને તેના ભાગરૂપે સૌ પ્રથમ પાકિસ્તાન માટે ખૂબજ મહત્વનું સિંધુ જળ સમજુતી ભારતે રદ દીધી છે. જેના પરિણામે હવે પાકિસ્તાનમાં પીવાના પાણીની અછત સર્જાશે તેવી દહેશત સેવાઈ રહી છે. આ ઉપરાંત ભારતમાં જે પાકિસ્તાની નાગરિકો છે તેમને ૪૮ કલાકમાં પરત પાકિસ્તાન ફરવા જણાવી દેવાયું છે અને એક પણ પાકિસ્તાની નાગરિકને ભારતના વિઝા મળશે નહી.

ભારતે તાત્કાલિક અસરથી અટારી ચેકપોસ્ટ પણ બંધ કરી દીધી છે જેના પરિણામે પાકિસ્તાનને ભારે નુકશાન વેઠવું પડશે. આ મીટીંગમાં અન્ય કેટલાક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાકિસ્તાન હાઈકમિશનમાં પાંચ સ્પોટીંગ સ્ટાફને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેઓને પાકિસ્તાન પરત ફરવા જણાવી દેવાયું છે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓએ સીસીએસની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ છે તેથી ભારત તેનો જવાબ આપશે. આ માટે ભારતીય લશ્કરની ત્રણેય પાંખો એલર્ટ પર છે. ભારતે લીધેલા ડિપ્લોમેટીક પગલાંના કારણે પાકિસ્તાન ભીંસમાં મુકાયું છે. જોકે હજુ ખરી કાર્યવાહી બાકી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશથી પરત ફર્યા બાદ સતત બેઠકો યોજી રહયા છે. અમિત શાહે પહેલગામથી પરત ફર્યાં બાદ સંપૂર્ણ હકીકત વડાપ્રધાન મોદીને જણાવી હતી. આ ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબજ વ્યથિત જણાતા હતા અને જડબાતોડ જવાબ આપવા મક્કમ પણ જણાતા હતાં. દેશભરમાં પાકિસ્તાનની તેની જ ભાષામાં જવાબ આપવાની લાગણી જોવા મળી છે.

જળ વહેંચણી

સિંધુ નદી પ્રણાલીની છ નદીઓ – સિંધુ, ઝેલમ, ચેનાબ, રાવી, બ્યાસ અને સતલજની જળ વહેંચણી અંગે બંને દેશો વચ્ચે મતભેદો ચાલુ છે. સંધિ મુજબ પૂર્વી નદીઓ (રાવી, બ્યાસ અને સતલજ) ભારતને અને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ અને ચેનાબ) પાકિસ્તાનને ફાળવવામાં આવી છે, પરંતુ પાકિસ્તાને ભારત દ્વારા બનાવવામાં આવેલા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ભારત અને પાકિસ્તાન બંને દેશો આગામી ત્રણ મહિનામાં ફરીથી મળવા સંમત થયા હતા અને તેમના મતભેદોને દૂર કરવા માટે તકનીકી તજજ્ઞોની એક સંયુક્ત સમિતિની રચના કરવા પણ સંમત થયા હતા. આ સમિતિ બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને સિંધુ નદીના પાણીના વધુ કાર્યક્ષમ ઉપયોગ માટે ભલામણો પ્રદાન કરવાની હતી, પરંતુ પહેલગામ પર થયેલા હુમલા બાદ આ જળ સંધી કરાર અટકાવી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.