અંબાજી મંદિરમાં શુધ્ધ સોનામાંથી બનાવાયેલા વીસાયંત્રની પૂજા થાય છે

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે સવારી પર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે.
આ યંત્ર શુધ્ધ સોનામાંથી બનાવેલ છે. એક માન્યતા મુજબ આ શ્રીયંત્ર છે. કૂર્મ પુષ્ઠવાળુ આ યંત્ર સોનાનું છે જે ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠોના મૂળયંત્ર સાથે સંકળાયેલ હોવાની માન્યતા છે. આ શક્તિપીઠોમાં શાસ્ત્રોક્ત રીતે શ્રીયંત્રની પૂજા થાય છે.
આ યંત્રમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખોથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને યંત્ર પુજા કરે છે. દર સુદ આઠમે વીસાયંત્રની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આઠમા નોરતે હવન- યજ્ઞ સાથે વીસાયંત્રની પૂજાનું વિશેષ મહત્વ મનાય છે.
“માતાજીના શૃંગાર સ્વરૂપો અને વાહનો”
માતાજીની પૂજા દિવસમાં ત્રણ વખત થાય છે. ત્રણેય વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે. આ શૃંગાર દ્વારા આદ્યશક્તિ મા અંબાનું પ્રભાતે બાલ સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે. તેવી જ રીતે માતાજીના વાહનો પણ દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમાં રવિવારે-વાઘ, સોમવારે-નંદી, મંગળવારે-સિંહ, બુધવારે-ઉંચી સુંઢનો હાથી (ઐરાવત), ગુરૂવારે-ગરુડ, શુક્રવારે- હંસ અને શનિવારે- નીચી સૂંઢનો હાથી (ઐરાવત) મા ના વાહન તરીકે શોભાયમાન થાય છે.
સામાન્ય રીતે માતાજીની આરતી દિવસમાં બે વખત સવારે અને સાંજે કરવામાં આવે છે. પરંતુ અખાત્રીજથી અષાઢ સુદ બીજ દરમ્યાન દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત માતાજીની આરતી થાય છે. તો ભાદરવી પૂનમના મેળાના દિવસોમાં યાત્રિકો દર્શનાર્થીઓ આરતીનો લ્હાવો લઈ શકે એ માટે આરતી દર્શન સમયમાં વધારો કરવામાં આવે છે. આલેખન : જીજ્ઞેશ નાયક, માહિતી મદદનીશ, પાલનપુર