વિશાલા લેન્ડમાર્ક હોટલને 25 હજારનો દંડઃ માવા-પનીરના સેમ્પલ લેબ પરિક્ષણ માટે મોકલાયા
લગ્નમાં માવો માણેકચોકના હસમુખભાઈ માવાવાળાના ત્યાંથી અને પનીર મણિનગર વિસ્તારમાં આવેલી સીજી ડેરીમાંથી લાવવામાં આવ્યું હતું.
નિકોલમાં વર-વધુ સહિત ૪પ જાનૈયાઓને ફુડ પોઈઝનીંગ -મ્યુનિ. કોર્પો.એ હોટેલને રૂ.રપ હજારનો દંડ કર્યોઃ માવા-પનીરના સેમ્પલ લેબ પરિક્ષણ માટે મોકલી આપ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાજપીપળાથી જાન લઈને પરણવા આવેલ વરરાજા સહિત જાનૈયાઓને સીધા જ હોસ્પિટલ જવાની નોબત આવી ગઈ હતી. શહેરના નિકોલ વિસ્તારમાં યોજાયેલ લગ્ન સમારંભમાં વેલકમ ડ્રીન્ક અને મિલ્ક શેકના કારણે ૪પ જેટલા જાનૈયાઓને ફુડ પોઈઝનીંગ થતાં અફરાતફરી મચી ગઈ હતી.
જાનૈયાઓને પેટમાં સખત દુખાવો થતાં જાન રાજપીપળા પહોંચે તે પહેલાં જ અમદાવાદ નજીક નડિયાદ ખાતે જ રોકી દેવામાં આવી હતી. અને તાત્કાલિક નડિયાદ હોસ્પિટલમાં તમામ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. વર અને વધૂ સહિત ૪૫ જાનૈયાઓને સારવાર આપવામાં આવી હતી. એક તબક્કે ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
વધારાના તબીબોને પણ ફરજ પર હાજર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સ્થાનિક નેતાઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. બીજી બાજુ, રાજપીપળાથી પણ સગા-સંબંધીઓ નડિયાદ આવવા રવાના થઈ ગયા હતા. સદનસીબે તમામની તબિયત સુધારા પર જણાતાં જ સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નર્મદા જિલ્લાના રાજપીપળાથી જાન આવી હતી નિકોલમાં વિશાલા લેન્ડમાર્ક હોટલના બેન્કવેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો જયાં જમણવારમાં વેલકમ ડ્રીન્કમાં પાઈનેપલ મીલ્ક શેક આપવામાં આવ્યો હતો તેમજ ગાજરનો હલવો પણ પીરસવામાં આવ્યો હતો રાત્રે જાનૈયાઓ સહિત તમામ લોકોએ ભોજન લીધું હતું મોડી રાત્રે જાન વિદાય થઈ હતી.
જાનૈયા જયારે નડિયાદ નજીક પહોચ્યા ત્યારે ૪૦ થી ૪પ લોકોને અચાનક ઉલ્ટીઓ થવા માંડી હતી જેના પગલે તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બીજી તરફ કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફુડપોઈઝનીંગની અસર થતાં મણિનગરની એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મ્યુનિ. ફુડ વિભાગના વડા ડો. ભાવિન જોષીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના વિભાગ દ્વારા હોટલ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું છે તેમજ સમગ્ર ઘટના મામલે હોટલને રૂ.રપ હજારનો દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હોટલમાંથી પનીર અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફુડ પોઈઝનીંગ દુધની બનાવટના કારણે થયું હોય તેમ લાગી રહયું છે.
ખાસ કરીને ગાજરનો હલવો અને પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી વસ્તુના કારણે પણ આવી ઘટના બની શકે છે. હોટલમાં ર૭૦ લોકોની રસોઈ બનાવવામાં આવી હતી તપાસના પ્રાથમિક તારણો મુજબ ગાજરના હલવામાં વપરાયેલ માવાનું ટેમ્પરેચર ન જળવાયુ હોવાથી આવી ઘટના બની છે.
લગ્નમાં માવો માણેકચોકના હસમુખભાઈ માવાવાળાના ત્યાંથી અને પનીર મણિનગર વિસ્તારમાં આવેલી સીજી ડેરીમાંથી લાવવામાં આવ્યું હતું. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. Vishala Landmark Hotel fined Rs 25,000: Samples of mava-paneer sent for lab testing