વિષ્ણુ દેવ સાયે છત્તીસગઢ, મોહન યાદવ મ.પ્ર.ના નવા સીએમ બન્યા
રાયપુર, વિષ્ણુ દેવ સાયએ બુધવારે છત્તીસગઢના નવા સીએમ તરીકે શપથ લીધા. સાય રાજ્યના ચોથા મુખ્યમંત્રી હશે. આ પહેલા અજીત જાેગી, રમણ સિંહ અને ભૂપેશ બઘેલ આ પદ પર રહી ચૂક્યા છે. ટર્મ પર નજર કરીએ તો સાય છઠ્ઠી વિધાનસભામાં સીએમ બન્યા છે.
૩ ડિસેમ્બરે જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપ પાંચ વર્ષ પછી સત્તામાં પાછો ફર્યો. ૧૦ ડિસેમ્બરે ભાજપે પોતાના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ અને વિજય શર્માએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
રાજધાની રાયપુરની સાયન્સ કોલેજમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમનરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ પ્રકાશ માથુર, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને રાજ્યના સહ-પ્રભારી નીતિન નબીન પણ શપથગ્રહણમાં ભાગ લીધો હતો.
શપથ ગ્રહણ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શપથ લેતા પહેલા, વિષ્ણુ દેવ સાંઈએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને માળા ચઢાવી હતી.
સાઈએ ટિ્વટ કર્યું, “છત્તીસગઢ રાજ્યના સર્જક અને આપણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત, અટલ બિહારી વાજપેયીજીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, ભાજપ સરકારે જે ધ્યેય સાથે છત્તીસગઢ રાજ્યનું નિર્માણ કર્યું છે, તેને સતત આગળ વધારવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ.
શપથ લેતા પહેલા તેઓ માતાને મળવા ગયા અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. સાઈએ ટ્વીટ કર્યું. આજે શપથ લેતા પહેલા તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને છત્તીસગઢ મહાતારીની સેવા કરવા તેમના આશીર્વાદ લીધા હતા.
માતા મારા પ્રેરણા સ્ત્રોત છે, તેમણે હંમેશા મને જનસેવા માટે પ્રેરણા આપી છે.” માતા જસમણી દેવીએ આરતી કરી જ્યારે પત્ની કૌશલ્યા દેવીએ મીઠાઈ ખવડાવી અને તેમના પતિને શપથવિધિ માટે વિદાય આપી હતી.
દરમિયાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે મોહન યાદવને રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રાજધાની ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
મોહન યાદવ ઉપરાંત રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર ધામી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપરાંત ઘણા મોટા નેતાઓએ શપથગ્રહણમાં ભાગ લીધો હતો.SS2SS