છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે BJP વિધાયક દળની બેઠકમાં વિષ્ણુદેવ સાંઈને કમાન સોંપાઈ
ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યોઃ અરૂણ સાવ અને વિજય શર્મા નવા નાયબ મુખ્યમંત્રી
રાયપુર, છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. બીજેપી વિધાયક દળની બેઠકમાં છત્તીસગઢની કમાન વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી છે. આદિવાસી સમુદાયમાંથી આવતા વિષ્ણુદેવ સાંઈ વર્ષ ૧૯૮૦માં ભાજપમાં જોડાયા હતા. વિષ્ણુદેવ છત્તીસગઢની કુંકુરી વિધાનસભાના છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ છે.
એવી અટકળો હતી કે ભાજપ આદિવાસી ચહેરા પર દાવ લગાવી શકે છે, જે સાચો સાબિત થયો હતો. વિષ્ણુદેવ સાંઈ વર્ષ ૨૦૨૦માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ આરએસએસ અને પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના પણ નજીક છે. ભાજપે છત્તીસગઢના સીએમ પદ માટેના નામની જાહેરાત કરી દીધી છે.
વિષ્ણુદેવ સાયને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે એક આદિવાસી નેતાને રાજ્યનો ચહેરો બનાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રીતે તમામ અટકળોનો અંત આવી ગયો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના સીએમને લઈ ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે.
છત્તીસગઢના સીએમ પદ માટે ઘણા દાવેદારો હતા. રમણસિંહ પોતે તેમાં હતા. અરુણ સાવ, ઓપી ચૌધરી અને રેણુકા સિંહના નામ પણ સામેલ હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાયની સાથે રેણુકા સિંહનું નામ આદિવાસી મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે અને તમામ અટકળોને પલટીને ૫૪ બેઠકો મેળવી છે. જ્યારે કોંગ્રેસ ૩૪ સીટો જીતી શકી હતી.
વિષ્ણુ દેવ સાઈ રાયગઢ લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુક્યા છે અને કેન્દ્રીય રાજકારણનો અનુભવ પણ ધરાવે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. આ સાથે જ તેમણે છત્તીસગઢ બીજેપીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી છે. આ સિવાય તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય છે. સાયને રાજકારણનો લાંબો અનુભવ છે. છત્તીસગઢની રચના પહેલા તેઓ સંયુક્ત મધ્યપ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય પણ હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવ્યા બાદ દિલ્હીથી મંજુરી મળી હતી. કારણ કે ભાજપ આદિવાસી નેતાને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે તેવી અટકળો ચાલી રહી હતી.
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત સાથે નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી હશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અરૂણ સાવ અને વિજય શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવશે.