વિશ્વનાથ ચેટરજીઃ “ભૂમિકા રસપ્રદ હોય અને વિવિધતા પ્રદાન કરે તો તે મુખ્ય ભૂમિકા હોય કે સપોર્ટિંગ, કોઈ ફેર પડતો નથી.”
વિશ્વનાથ ચેટરજી ટેલિવિઝન, ઓટીટી અને ફિલ્મોમાં જાણીતું નામ છે, જે એન્ડટીવી પર શો હપ્પુ કી ઉલટન પલટનમાં હપ્પુનો વકીલ મિત્ર બેનીનું હાસ્યસભર અને અજોડ પાત્ર ભજવીને અત્યંત લોકપ્રિય બન્યો છે.
આ અભિનેતા પોતાના મિત્ર હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને સમયાંતરે બચાવીને પોતાની બેજોડ કોમિક ટાઈમિંગથી દર્શકોને પેટ પકડાવીને હસાવ્યા છે. આ ઈન્ટરવ્યુમાં અભિનેતા મનોરંજન ઉદ્યોગમાં પોતાનો પ્રવાસ, તેનો હાલનો શો અને આગામી પ્રોજેક્ટ વિશે વાત કરે છે.
1. તારા અભિપ્રાયમાં બેની દર્શકો માટે રોચક પાત્ર શા માટે બને છે?
મને મારા પાત્ર બેનીને દર્શકોનો મળતો પ્રતિસાદ જોઈને બેહદ ખુશી થાય છે અને મારી પર આટલો બધો પ્રેમ વરસાવવા માટે હું તેમનો આભાર માનું એટલો ઓછો છે. બેનીનો મિત્ર અને સાળો હપ્પુ જ્યારે પણ સમસ્યા લઈને આવે ત્યારે તે ઉકેલવાની બુદ્ધિ ખરેખર મજેદાર છે.
તે તેની બધી સમસ્યાઓમાં પડખે રહે છે, પરંતુ અમુક વાર સમસ્યાનું કારણ પણ બને છે (હસે છે). અમારાં પાત્રો હપ્પુ અને બેની જે ટ્રેજડીઓનો સામનો કરે છે અને તેમની હાસ્યસભર ગેટ-અપ દર્શકોને શો સાથે જકડી રાખે છે.
2. તું લાંબા સમયથી ફિલ્મ અને ટીવીમાં કોમેડી કરતો રહ્યો છે. શું આ તારી કમ્ફર્ટ સ્પેસ છે?
કલાકાર તરીકે હું એક પ્રકારમાં ચોંટી રહેવાને બદલે અલગ અલગ કરવાને અગ્રતા આપું છું. મને મારી કારકિર્દીમાં કોમેડી ભૂમિકા ભજવવાની બહુ મજા આવી છે. દર્શકોને હસાવવું તે કોઈ પણ કલાકાર માટે સૌથી મુશ્કેલ કામ છે અન મને ખુશી છે કે આ કામ હું કરી શકું છું.
મારા શો હપ્પુ કી ઉલટન પલટનમાં હું પરિસ્થિતિજન્ય અને હળવીફૂલ કોમેડી કરું છું, જે દર્શકો સાથે મને તુરંત જોડે છે. મને પણ તે કરવાનું ગમે છે. જોકે મને હજુ પણ અમુક ગંભીર પાત્રો, ખાસ કરીને નકારાત્મક હોય તે ભજવવાનું ગમે છે. ટૂંક સમયમાં જ મારી વેબ સિરીઝ આવવાની છે, જેમાં હું વિલન છું અને મેં આજ સુધી ભજવી છે તેનાથી આ ભૂમિકા સાવ અલગ છે.
દર્શકોનો પ્રતિસાદ જોઈને મને ખુશી થાય છે. હું છાપ છોડી જાય તેવું પાત્ર ભજવવા માગું છું. પાત્ર રસપ્રદ હોય, વિવિધતા આપતું હોય અને મનોરંજક હોય તો તે મુખ્ય ભૂમિકા હોય કે સપોર્ટિંગ હોય તો પણ કોઈ ફેર પડતો નથી.
3. શું યોગેશ સાથે તારો આવો જ સંબંધ છે (પડદાની પાછળનો હપ્પુ)?
અમે પડદા પર ચાર વર્ષથી મિત્રની ભૂમિકા ભજવી રહ્યા છીએ. અમે હવે પરિવાર જેવા છીએ. મારા મોટા ભાગના સીન તેની સાથે હોય છે અને અમે શૂટ કરવા સમયે ઘણો સમય એકત્ર વિતાવીએ છીએ. જો હું સીનમાં નહીં હોઉં તો પણ અમે એકત્ર બેસીએ, જોક્સ કરીએ અને મનથી હસીએ છીએ.
અમે રિહર્સલ દરમિયાન એકબીજાની મજાક ઉડાવીએ ત્યારે બહુ મજા આવે છે. હું સહજ રીતે કહી શકું છું કે હપ્પુ કી ઉલટન પલટનના સેટ્સ પર અમે એકત્ર હોઈએ ત્યારે ક્યારેય કંટાળો આવતો નથી, કાર કે અમે બધાને અમારી હરકતોથી હસાવીએ છીએ.
4. લાગલગાટ ફિલ્મો કર્યા પછી તું ટીવી પર પાછો શા માટે આવ્યો?
કલાકાર તરીકે મંચ ગમે તે હોય મને સારું કામ કરવાની ભૂખ છે. મારી ફ્રેન્ડ કવિતા કૌશિકે ડાયરેક્ટર શશાંક બાલીને તેમના એક શો માટે મારો સંપર્ક કરવા કહ્યું હતું, જેમાં મેં એપિસોડિક પાત્રો ભજવ્યાં. મારી અભિનય ક્ષમતાથી તે બહુ મોહિત થઈ ગયો હતો.
જોકે તેની સાથે મારા સંબંધો આટલા લાંબા ચાલશે એવી કલ્પના કરી નહોતી. તેણે મને કહ્યું કે ભાભીજી ઘર પર હૈનો વિસ્તારિત શો હપ્પુ કી ઉલટન પલટન બનાવવાની યોજના છે અને હું તેમાં હપ્પુના વકીલ મિત્રની ભૂમિકા ભજવું એવું તે ચાહતો હતો. ભાભીજી ઘર પર હૈની ભરપૂર લોકપ્રિયતા જોતાં મેં તુરંત હા પાડી દીધી હતી.