Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસનગરમાં ‘અપના ઘર’ આશ્રમનું લોકાર્પણ કર્યું

વિસનગર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસનગર ખાતે માં-માધુરી વ્રજ વારિસ સેવા સદન, ‘અપના ઘર’ સંસ્થા ભરતપુર (રાજસ્થાન) સંચાલિત શ્રી કમલા-સંધ્યા ‘અપના ઘર’ આશ્રમ-ઉમતાનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અનાથ, અસહાય અને નિરાશ્રિત પુરુષો તથા મહિલાઓ માટે નિર્માણ કરાયેલ આ આશ્રમમાં રહેવાની તેમજ સંપૂર્ણ જીવન જરૂરિયાતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આશ્રમના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આશ્રમના નિર્માણમાં સહયોગ આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં ‘અપના ઘર’ સંસ્થા દ્વારા અનાથ, અસહાય અને વૃદ્ધજનો માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવી સંસ્થાઓ સમાજના વંચિત વર્ગોને આશરો આપી, તેમના જીવનમાં આશાનું કિરણ લાવે છે.

આશ્રમમાં રહેનારા લાભાર્થીઓને સમયસર ભોજન, આરોગ્ય સુવિધાઓ, મનોરંજન તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંસ્થાના કાર્યોને પ્રોત્સાહન આપવા સરકાર તરફથી શક્ય તમામ સહાય કરવાની ખાતરી આપી હતી.

વિસનગર ખાતે આ આશ્રમનું નિર્માણ થવાથી આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને મોટો લાભ મળશે અને તેમને સુરક્ષિત આશ્રય સ્થાન મળી રહેશે, તેવું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીએ આશ્રમની મુલાકાત લઈ, ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમના અનુભવો જાણ્યા હતા.

આ ઉપરાંત, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વિસનગર ખાતે રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ ₹495 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વિસનગર બાયપાસ રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના વળતરના ચેક જમીનધારક ખેડૂતોને અર્પણ કર્યાં હતા તેમજ આ વિસ્તારના ટીબીના દર્દીઓને નિ:ક્ષય કીટ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.