બાળકને આયર્નની સીરપ, વિટામિન A, કૃમીની ગોળી આપવા વાલીઓને સમજ અપાઈ

પોષણ પખવાડિયામાં કુહા, ગીરમથા, જેતલપુર, સનાથલ કેન્દ્રો ખાતે બાળકો અને સગર્ભા માતાની ગૃહ મુલાકાત કરવામાં આવી
ટેક હોમ રેશનના નિયમિત ઉપયોગની સમજ, બાળક અને માતાના આરોગ્ય અને પોષણ વિશેની માહિતી આપવામાં આવી
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ અને સાણંદ તાલુકાના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
તા. 22 એપ્રિલ, 2025 સુધી આયોજિત આ પોષણ પખવાડિયા અંતર્ગત કુહા, ગીરમથા, જેતલપુર, સનાથલના કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા 6થી 13 વર્ષના બાળકના ઘરની મુલાકાત કરી તેના વાલીને ટેક હોમ રાશન (THR)માંથી વિવિધ વાનગી બનાવીને તેને આ ખોરાક જમાડવા માટેની સમજ આપવામાં આવી હતી.
બાળકને આયર્નની સીરપ, વિટામિન A, કૃમીની ગોળી આપવા, તેમજ ઘરમાં બનતી વાનગીમાં THRનો નિયમિત ઉપયોગ કરવા, નજીકના આંગણવાડી કેન્દ્રમાં બાળકને લઈ જઈ સમયસર વજન, ઊંચાઈ કરાવવા, જેથી બાળકનો વૃદ્ધિ વિકાસ થયો છે તે જાણી શકાય તેવી સમજ વાલીઓને આપવામાં આવી હતી.
આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો દ્વારા સાત માસના બાળકની માતા અને સગર્ભા માતાની મુલાકાત કરી તેઓને THR સાથે આરોગ્ય અને પોષણ વિશે જણાવી તેમને 1000 દિવસનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ, મમતા દિવસ અંતર્ગત સગર્ભા માતાના વજન અને ઊંચાઈ કરી, બાળકોનું પૂર્ણ રસીકરણ, 6 માસ પૂર્ણ કરેલ બાળકોની ગૃહ મુલાકાત અને બાળક છ માસ પૂર્ણ કરેલ છે તો ઉપરી આહાર આપવા વિશેની ચર્ચા કરવામાં આવી હતી.