ગેસ મોંઘો થતાં ટાઈલ્સના ભાવો વધશેઃ વેચાણમાં ૩૦ ટકા જેટલા ઘટાડો
કાચો માલ અને ગેસ ખૂબ મોંઘા થઈ જતા વધતી ઉત્પાદન પડતર: નેનો-ડબલ ચાર્જ ટાઈલ્સનું ઉત્પાદન બંધ કરાશે
મોરબી, દેશની સિરામિકની ૭૦ ટકા માંગ પરિપૂર્ણ કરતા મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં વારંવાર ભાવ વધારો ઝીંકાવાને લીધે ઉત્પાદન પર માઠી અસર પડી છે.
બીજી તરફ અન્ય ચીજાેના ભાવવધારાના લીધે માગ ઘટી જતાં સિરામિક ઉદ્યોગ મંદીની અસરમાં છે. ઉદ્યોગે સરકાર પાસે ગેસના ભાવ વધારાને કાબૂમાં રાખવા અને ઉત્પાદનને ગતિમાં લાવવા ભાવ ઘટાડવાની માગણી કરી છે.
ઉદ્યોગકારો નેનો, ડબલ ચાર્જ સહિતની ટાઈલ્સનું પ્રોડકશન સ્વૈચ્છિક રીતે ૩૦ દિવસ સુધી બંધ કરવાનું વિચારે છે. વિટ્રિફાઈડ ટાઈલ્સના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કન્ટેનર ભાડા વધતા નિકાસ ઘટીને પ૦ ટકાએ પહોંચી છે. સ્થાનિક માર્કેટમાં પણ ટાઈલ્સની માંગ નહીવત હોવાથી વેચાણમાં ૩૦ ટકા જેટલા ઘટાડો છે. ઉદ્યોગ સમસ્યામાં બજારમાં ટકી રહે તે માટે ગેસના ભાવમાં ઘટાડો કરાવવો જરૂરી છે.
ગેસના ભાવ ડબલથી પણ વધુ થઈ ગયા છે. તેમાંય ૬ટકા વેટ લેવામાં આવે છે ગેસને જીએસટીમાં સમાવવામાં આવે તેવી માંગ ઉદ્યોગ કરી રહ્યો છે. ગુજરાત ગેસની આ ક્ષેત્રમાં મોનોપોલી છે.