Western Times News

Gujarati News

મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં ૮/૧૨/૨૦૨૨ સુધી વિવિધ પ્રતિબંધો મુકાયા

માહિતી કચેરી,મોરબી,  વિધાનસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લાનેર વિધાનસભાની ત્રણેય ૬૫-મોરબી, ૬૬-ટંકારા તથા ૬૭-વાંકાનેર બેઠકની મતગણતરી પોલિટેકનિક બિલ્ડીંગ, ઘૂંટુ રોડ, મોરબી ખાતે ૦૮/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે.

મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૨ સધીના સમયગાળા માટે કેટલાક અમલવારી કરવા હુકમ ફરમાવ્યા છે.

જેમાં (૧) કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.

(૨) મતગણતરી કેન્દ્રની આસપાસના ર૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં.

(૩) કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

(૪) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.

(૫) મતગણતરી ફરજ પર નિયુક્ત અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યક્તિઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મોરબીને અધિકૃત કરવામાં આવે છે

(૬)મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

આ હુકમમાંથી મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તેમને મુકિત આપવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચ તરફથી મંજૂરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન ધરાવતા હોય તેમજ સક્ષમ સત્તાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારશ્રીઓને ઉક્ત દર્શાવેલ મતગણતરી કેન્દ્રના ફક્ત મીડિયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની છૂટ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાના પાત્ર  ઠરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.