અમદાવાદ જિલ્લામાં 85 વર્ષથી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન પર્વમાં થઈ શકશે સહભાગી
અમદાવાદ જિલ્લામાં 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો મતદાન કરશે
સૌથી વધુ અમદાવાદ પશ્રિમ લોકસભામાં 18,836 વરિષ્ઠ મતદારો, અમદાવાદ પૂર્વ લોકસભામાં 6580 મતદારો જ્યારે ગાંધીનગર લોકસભામાં 16,831 વરિષ્ઠ મતદારો
ભારતના ચૂંટણીપંચ દ્વારા તાજેતરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7મી મે-2024ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના સંદર્ભે આગામી તારીખ 12 એપ્રિલ 2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
લોકસભા ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરના માર્ગદર્શનમાં જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લામાં 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો મતદાન પર્વમાં સહભાગી થવાના છે.
વરિષ્ઠ અને શતાયુ મતદારોની વિગતવાર વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદ પશ્રિમ લોકસભામાં 18,836 મતદારો 85+ વયના છે જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભામાં 6580 મતદારો 85+ વયના છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં 16,831 મતદારો 85+ વયના છે.
લોકસભા મતક્ષેત્રમાં આવતા વિધાનસભાના વિસ્તાર વાઈઝ આ સંખ્યાની વાત કરીએ તો, અમદાવાદ પશ્રિમ લોકસભાના એલિસબ્રીજ વિધાનસભામાં 6962, અમરાઈવાડી વિધાનસભામાં 1720, દરિયાપુર વિધાનસભામાં 2082, જમાલપુર-ખાડિયા વિધાનસભામાં 1607, મણિનગર વિધાનસભામાં 2881, દાણીલીમડા વિધાનસભામાં 1908 અને અસારવા વિધાનસભામાં 1676 મતદારો 85+ વયના છે.
અમદાવાદ પૂર્વ લોકસભાના વટવા વિધાનસભામાં 1166, નિકોલ વિધાનસભામાં 1013, નરોડા વિધાનસભામાં 1939, ઠકકરબાપાનગર વિધાનસભામાં 1182, અને બાપુનગર વિધાનસભામાં 1280 મતદારો 85+ વયના છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના ઘાટલોડિયા વિધાનસભામાં 4005, વેજલપુર વિધાનસભામાં 4393, નારણપુરા વિધાનસભામાં 4162, સાબરમતી વિધાનસભામાં 2337 અને સાણંદ વિધાનસભામાં 1934 મતદારો 85+ વયના છે.
સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બે વિધાનસભા વિરમગામ અને ધંધુકા અમદાવાદ જિલ્લામાં આવે છે જ્યારે ખેડા લોકસભા મતવિસ્તારમાં પણ સમાવિષ્ટ બે વિધાનસભા ધોળકા અને દસ્ક્રોઈ અમદાવાદ જિલ્લામાં આવે છે.
આ ચાર વિધાનસભાની વાત કરીએ તો, વિરમગામ વિધાનસભામાં 2532 અને ધંધુકા વિધાનસભામાં 3330 મતદારો 85+ વયના છે. જ્યારે ધોળકા વિધાનસભામાં 1341 અને દસ્ક્રોઈ વિધાનસભામાં 1852 મતદારો 85+ વયના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી તંત્ર દ્વારા 85 વર્ષથી વધુ વયના મતદારો માટે તેઓ ઘરેથી પણ મતદાન કરી શકે, એ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.