પુષ્પગુચ્છ આપી મતદારોને મતદાન માટે અપીલ કરાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર) મતદાર જાગૃત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અનુસાર તથા નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા મત વિસ્તારોમાં વધુ ને વધુ મતદાન થાય તેમજ સો ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના ભાગરૂપે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અન્વયે સ્વીપ ટિમ દ્વારા પાલનપુર-ખેમાણા ટોલ પ્લાઝા પર પુષ્પગુચ્છ આપી મતદારોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોને આગામી તા. ૫ મી ડિસેમ્બરના રોજ યોજાનાર બનાસકાંઠા વિધાનસભા મતવિસ્તારની નવ બેઠકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે અપીલ કરી અવશ્ય મતદાન કરવાના સંદેશ સાથે પુષ્પગુચ્છ આપવામાં આવ્યાં હતાં. ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોએ સ્વીપ ટીમની કામગીરીને બિરદાવી અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.