Western Times News

Gujarati News

વડોદરા રિક્ષાચાલક યુનિયન દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું

૩૦૦૦ જેટલી રીક્ષાઓ પાછળ મતદાન જાગૃતિ અર્થે સ્ટીકર લગાવવામાં આવ્યા

(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈને સમગ્ર વડોદરા શહેર જિલ્લો જયારે ચૂંટણીમય બન્યો છે, ત્યારે વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકો ઉપર મહત્તમ મતદાન થયા તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ અવસર લોકશાહીનો અભિયાન અંતગર્ત અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ દ્વારા સમગ્ર જિલ્લામાં મતદાર અને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.અવસર લોકશાહીનો અભિયાન વડોદરા શહેર જિલ્લામાં વેગવંતું બન્યું છે.

આ કડીના ભાગરૂપે એક નવતર અભિગમ હેઠળ વડોદરા શહેર તેમજ જિલ્લામાં રીક્ષાચાલક યુનિયનના સહિયારા પ્રયાસ થકી આજે દરેક રીક્ષાઓ પાછળ હું નહિ ભૂલું મતદાન કરવાનું , તમે પણ ભૂલતા નહીંના સ્લોગન સાથેના સ્ટીકર વડોદરા શહેર જિલ્લાના મતદારોને જાગૃત કરવાના સંદેશ સાથે લગાવી રિક્ષાઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ અવસરે ઉપસ્થિત રહેલા દરેક મહાનુભાવો તેમજ રીક્ષા ચાલકોએ ચૂંટણીમાં મત આપવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો.

રીક્ષાચાલક યુનિયનના પ્રમુખ શ્રી બિલાલ પરમારે કહ્યું હતું કે, વડોદરા જિલ્લાનો દરેક રીક્ષાચાલક વડોદરા જિલ્લાની જનતાને મત આપવા માટેની જાગૃતતા લાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરવા સાથે લોકશાહીના આ પર્વને વધાવશે. વડોદરા રિક્ષાચાલક યુનિયનના માધ્યમથી નવલખી મેદાન ખાતે વડોદરા શહેર જિલ્લાના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ નિભાવવાની અપીલ રીક્ષા પાછળ સ્ટીકર લગાવીને કરવામાં આવી હતી. જેથી કરીને તેઓનો આ સંદેશો વડોદરા જિલ્લાના ખૂણેખુણા સુધી પહોંચે અને વડોદરાની જનતા જનાર્દન પોતાને મળેલા આ શુભ અવસરને ચૂકે નહીં.

રીક્ષાચાલક યુનિયનના મતદાર જાગૃતિ અંગેના અભિયાનમાં અવસર અભિયાનના નોડલ અને નિવાસી અધિક કલેકટર ડો.બી. એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ. એમ. સોલંકી,એ. સી. પી. જગદીશ વસાવા, આર. ટી. ઓ. ઇન્સ્પેક્ટર શ્રી. યુ. એ. કારેલીયા, જિલ્લા આર્યુવેદ અધિકારી ડો.સુધીર જાેષી તેમજ રીક્ષાચાલક યુનિયનના પ્રમુખ શ્રી બિલાલ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વડોદરા જિલ્લાના મોટાભાગના રીક્ષાચાલકો તેમજ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પણ પોતાનાથી બનતા પ્રયાસો થકી આ અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો.આમ વડોદરાનું નવલખી મેદાન આજે રીક્ષાઓના અવાજથી અને અવશ્ય મતદાન કરવા માટેના અવસરને આવકારવા ગુંજી ઉઠ્‌યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.