Western Times News

Gujarati News

VS હોસ્પિટલમાં ૧ નવેમ્બરથી ૧૩ બ્રાંચના ડોકટરની OPD ધમધમશે

ઓક્સિજનના મામલે પણ વીએસ હોસ્પિટલ આત્મનિર્ભર બનશેઃ પ૦૦ એલપીએમ ક્ષમતાના પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાશે

અમદાવાદ, એક સમયે મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની સમગ્ર ગુજરત ઉપરાંત આસપાસના પાડોશી રાજયમાં પણ સુવાસ પ્રસરી હતી. દૂર દુરથી ગરીબ દર્દીઓ સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ થતા હતા,

જાેકે આ હોસ્પિટલના પરિસરમાં નવી એસવીપી હોસ્પિટલ કરોડોના ખર્ચે ધમધમતી થતાં તંત્ર જાણે-અજાણે વીએસ હોસ્પિટલને ભૂલી ગયું હતું. જાેકે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વીએસ હોસ્પિટલને રાબેતા મુજબ દર્દીઓની પ્રિય બનાવવાના આંદોલન પણ કરાયાં હતાં દરમિયાન આ હોસ્પિટલને તા.૧ નવેમ્બરથી તેની જૂની પ્રતિષ્ઠા ધીમે ધીમે પુનઃ મળે તેવું લોકોને આનંદિત કરનારું ચિત્ર ઉપસ્યું છે.

વીએસ હોસ્પિટલ તેના સુવર્ણકાળમાં અન્ય બે મ્યુનિ. હોસ્પિટલ- એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ કરતા બધાં ક્ષેત્રમાં આગળ હતી. નામાંકિત તબીબો, તબીબી સેવા, અત્યાધુનિક સાધન-સામગ્રીથી સારા પરિવારના લોકો પણ તેમના રોગના જટિલ ઓપરેશન કરાવવા વીએસ હોસ્પિટલને પસંદ કરતા હતા, પરંતુ એસવીપી હોસ્પિટલ ચાલુ થતાં વીએસ હોસ્પિટલ ભુલાતી ગઈ અને આજે ગરીબ દર્દીઓનો એલજી હોસ્પિટલ તરફનો ધસારો વધી ગયો છે.

તંત્ર દ્વારા તાજેતરમાં વીએસ હોસ્પિટલમાં દર્દીઓને સુપર સ્પેશિયાલિટીની તબીબી સુવિધા પુરી પાડવા માટે જે તે ક્ષેત્રના ડોકટર્સના ઈન્ટરવ્યુ લેવાયા હતા. માસિક રૂ.૧પ હજારના માનદ ભથ્થાથી આ ડોકટર્સ સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીની ઓપીડીમાં દર્દીઓને તપાસે તેવા આશયથી તંત્રે આ પગલું ભર્યું હતું, જેમાં સત્તાવાળાઓએ સફળ નીવડીને પ૦ ડોકટર્સને સુપર સ્પેશિયાલિસ્ટની માનદ સેવા આપવા માટે નિમણુક આપી છે.

સુપર સ્પેશિયાલિટીની ૧૩ બ્રાંચ જેવી કે સર્જરી, મેડિકલ, પ્લાસ્ટિક, ન્યૂરો વગેરેમાં આ ડોકટર્સ સવારની ઓપીડીમાં તેમની માનદ સેવા આપનાર હોઈ ગરીબ દર્દીઓએ ખાનગી ક્લિનિક કે હોસ્પિટલના મોંઘાદાટ કન્સલ્ટન્ટની આકરી ફી નહીં ચૂકવવી પડે.

આજની સ્થિતિમાં વીએસ હોસ્પિટલમાં રોજ ૧ર૦૦થી ૧૩૦૦ દર્દીઓની ઓપીડી છે, પરંતુ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ ઓપીડીમાં આવતા થયા બાદ રોજની ઓપીડીમાં રર૦૦થી ર૪૦૦ દર્દીની થવાનો તંત્રનો દાવો છે.

આની સાથે કોરોના સામે લડત આપવા વીએસ હોસ્પિટલ પણ ઓક્સિજનના મામલે આત્મનિર્ભર બનશે. તા.૧ નવેમ્બરે તંત્ર દ્વારા પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. મેયરના હોદ્દાની રૂએ વીએસ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન કિરીટ પરમારના હસ્તે ઓક્સિજન પ્લાન્ટ અને સુપર સ્પેશ્યાલિટીની ૧૩ બ્રાંચ શરૂ કરાશે.

ગરીબોની બેલી ગણાતી વીએસ હોસ્પિટલમાં પ૦૦ એલપીએમ (લિટર પર મિનિટ) ક્ષમતાનો પીએસએ (પ્રેશર સ્વિંગ એસોર્પ્શન) નેસ્લે કંપની દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ તૈયાર કરાયો છે, જેનાથી આઈસીયુ વોર્ડના પ૦ દર્દીને સમયસર ઓક્સિજન પૂરો પાડીને તેમનો અમૂલ્ય જીવ બચાવી શકાશે.

પીએસએ પ્લાન્ટ દ્વારા હવામાંથી ઓક્સિજન અને નાઈટ્રોજન છુટો પડીને ઓક્સિજન ટેન્કમાં જમા થાય છે. ત્યારબાદ કોરોનાના દર્દીને નળી મારફતે ઓક્સિજન પહોંચાડાય છે. જે દર્દીઓની તાત્કાલિક સારવાર માટે ખૂબ ઉપયોગી બને છે.

કોરોનાની સેકન્ડ વેવ વખતે અનેક દર્દીઓ ઓક્સિજનના અભાવે ઘરે, હોસ્પિટલમાં, હોસ્પિટલના ઝાંપા પાસે તેમજ હોસ્પિટલ લઈ જતી વખતે ઓક્સિજનના અભાવે તરફડીને મોતને ભેટયા હતા એટલે મ્યુનિ. તંત્ર દ્વારા ઓક્સિજનના મામલે હોસ્પિટલોને આત્મનિર્ભર બનાવવાની દીશામાં હિલચાલ આરંભાઈ છે.

અગાઉ મણિનગરની એલજી હોસ્પિટલમાં ૧૦૦૦ એલપીએમ ક્ષમતાનો પીએસએ પ્લાન્ટ કાર્યરત કરાયો છે. વીએસ હોસ્પિટલના પીએસએ ઓકિસજન પ્લાન્ટનું ગત તા.૧૮ સપ્ટેમ્બર, ર૦ર૧એ ભૂમિપૂજન કરાયું હતું તે અત્રે ઉલ્લેખનીય છે. દરમિયાન મેયર કિરીટ પરમાર કહે છે, વીએસ હોસ્પિટલમાં દર્દીઓ માટે નવા ૪૦ વેન્ટિલેટર આવતા હવે કુલ ૮૦ વેન્ટિલેટર થયા છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.