Western Times News

Gujarati News

વી.એસ.હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ ઘટ્યાઃ દવાના ખર્ચમાં પાંચ ઘણો વધારો

મોટાભાગનો સ્ટાફ એસ.વી.પી.માં ટ્રાન્સફર થયો હોવા છતાં એસ્ટા. ખર્ચમાં અસામાન્ય વધારો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, શહેરના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને જયાં સસ્તી અને સારી સારવાર મળતી હતી તે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને મ્યુનિ. સત્તાધીશોએ લગભગ નામશેષ કરી છે. ર૦૧૩માં માત્ર એક ઠરાવ કરી હોસ્પિટલને ૮૪ વર્ષ જુના માળખામાં પરિવર્તિત કરી હતી.

મતલબ કે ૧૯૩૧માં ૧ર૦ પથારીથી શરૂ થયેલી હોસ્પિટલને સત્તાધીશોએ ર૦૧૩માં ફરીથી ૧ર૦ પથારીથી ચલાવવાનો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટીઓએ આપેલી લડત બાદ ર૦૧૮માં પ૦૦ પથારીથી હોસ્પિટલ ચલાવવા સત્તાધીશો સહમત થયા હતાં.

ર૦૧૩ સુધી જે હોસ્પિટલમાં ૧૧પ૦ પથારી હતી તે હોસ્પિટલ માત્ર પ૦૦ પથારીથી જ હાલ કાર્યરત છે. તે હિસાબે જોવામાં આવે તો હોસ્પિટલમાં દવા, પગાર સહિતના ખર્ચમાં ઘટાડો થવો જોઈએ. પરંતુ ર૦૧૮ બાદ આ તમામ ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે ર૦૧૮ની સરખામણીએ ત્યારબાદના વર્ષમાં દવાના ખર્ચમાં લગભગ પાંચ ઘણો વધારો થયો છે.

મ્યુનિ. કોર્પોરેશનના શાસકો દ્વારા એસ.વી.હોસ્પિટલને જીવંત રાખવા વી.એસ.હોસ્પિટલને લગભગ નામશેષ કરવામાં આવી છે. પરંતુ અહીં પણ તેમનો મનસુબો પૂર્ણ પાર પડયો નથી. કેમકે વી.એસ. ધીમેધીમે નામશેષ થઈ રહી છે તેની સામે એસ.વી.પી.માં પણ દર્દીઓની સંખ્યામાં કોઈ જ વધારો થયો નથી. પરંતુ દુઃખદ બાબત એ છે કે વી.એસ.માંથી એસ.વી.પી.માં ટ્રાન્સફર થયેલ સ્ટાફનો પગાર પણ વી.એસ.ની તીજોરીમાંથી ચુકવાય છે.

તેવી જ રીતે વી.એસ.હોસ્પિટલમાં પથારીની સંખ્યા ઘટવા છતાં દવાના ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે. ર૦૧૮-૧૯માં વી.એસ.હોસ્પિટલમાં ૭૩૮૬પ ઈન્ડોર પેશન્ટ હતાં જેની સામે દવાનો ખર્ચ માત્ર રૂ.૧.૮ર કરોડ થયો હતો. ત્યારબાદ ક્રમશઃ પેશન્ટની સંખ્યામાં ઘટાડો અને દવાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ર૦ર૧-રરમાં તો આ બાબતે જવાબદાર અધિકારીઓએ માઝા મુકી હોય તેમ લાગી રહયું છે.

કારણ કે ૧૦૦૧પ દર્દીઓ સામે રૂ.૧પ.પ૧ કરોડનો દવાનો ખર્ચ થયો હતો. મતલબ કે એક પેશન્ટ દીઠ રૂ.૧પ૪૮૭ દવાનો ખર્ચ થયો છે. ર૦૧૮-૧૯ થી ર૦રર-ર૩ સુધી વી.એસ.માં રૂ.પ૩.૭૧ કરોડ માત્ર દવા પેટે ચુકવાયા છે. જેની સામે છેલ્લા વર્ષોમાં જોઈએ તો ઈન્ડોર પેશન્ટની સંખ્યા ૧૦ હજારથી પણ નીચે રહી છે.

વી.એસ.હોસ્પિટલમાં પથારીની સંખ્યા ઘટવાની સાથે કાયમી સ્ટાફની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. કારણ કે મોટાભાગના સ્ટાફને એસ.વી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમ છતાં હોસ્પિટલના એસ્ટા. ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે. ર૦૧૮-૧૯માં એસ્ટા. ખર્ચ રૂ.૧૧પ.૯૬ કરોડ હતો. જેની સામે ર૦રર-ર૩માં રૂ.૧૩૧.૬૮ નો એસ્ટા. ખર્ચ થયો છે આ બાબત તપાસનો વિષય બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.