એક સમયે 1100 કરતા પણ વધુ બેડ ધરાવતી વી.એસ.હોસ્પિટલમાં હાલ માત્ર 500 બેડ રહ્યા
વી.એસ.હોસ્પિટલ બચાવવા કોંગ્રેસની આક્રમક રજૂઆત-મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.વી. હોસ્પિટલને જીવતી રાખવા માટે વી.એસ.નો ભોગ લેવાઈ રહયો છે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને જયાં સસ્તી અને સારી સારવાર મળતી હતી તે વી.એસ. હોસ્પિટલને લગભગ નામશેષ કરવામાં આવી છે.
એક સમયે ૧૧૦૦ કરતા પણ વધુ પથારી ધરાવતી વી.એસ.હોસ્પિટલમાં હાલ માત્ર પ૦૦ પથારી રહી છે અને મોટે ભાગે હોસ્પિટલ કલીનીકની જેમ ચાલી રહી છે. મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.વી. હોસ્પિટલને જીવતી રાખવા માટે વી.એસ.નો ભોગ લેવાઈ રહયો છે જેના કારણે ગરીબ દર્દીઓ રાહત દરની સારવારથી વંચિત રહે છે તેવી રજુઆત કોંગ્રેસ દ્વારા મેટની મીટીંગમાં કરવામાં આવી હતી.
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણના જણાવ્યા મુજબ વી.એસ.હોસ્પિટલમાં તા.૨૭-૧૨-૨૦૧૮ થી સુપર સ્પેશ્યાલીટી સેવા બંધ કરવામાં આવી છે. કુલ ૧૨૦૦ બેડની વી. એસ. હોસ્પિટલને માત્ર ૫૦૦ બેડની કરવામાં આવી છે. વી.એસ. હોસ્પિટલ જર્જરીત થયેલ હોઇ લગભગ બંધ હાલતમાં છે. તેમ છતાં સત્તાધારી ભાજપ દ્વારા સને ૨૦૨૧-૨૨ થી સને ૨૦૨૪-૨૫ સુધીમાં વી.એસ. હોસ્પિટલ માટે કુલ રૂ.૭૮૨.૧૩ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ના રૂ.૨૬૧.૯૫ કરોડના મંજુર કરવામાં આવ્યું છે. બજેટમાં પણ રૂ.૫૫.૦૦ કરોડ વી.એસ. હોસ્પિટલના તથા ટ્રોમા વોર્ડના નવીની કરણ માટે જોગવાઈ કરવામાં આવી હોવા છતાં સત્તાધારી ભાજપ વી.એસ.હોસ્પિટલનું નવીનીકરણ કરવાની કોઈ કામગીરી કરવામાં નથી તેથી એ.એમ.સી. મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ બોર્ડ મેમ્બર્સને ગ્રીટીંગ કાર્ડ સાથે ગુલાબના ફુલ આપી વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશીયાલીટીની સગવડ સાથે તાકીદે વી.એસ. હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી શુભેચ્છા આપી હતી.
ચાલુ વર્ષ દરમ્યાન વી.એસ. હોસ્પિટલમાં ૪,૬૧,૧૦૩ આઉટડોર તથ. ૯૧૬૫ જેટલા ઇન્ડોર દદીઓ મળી કુલ ૪,૭૦,૨૯૮ દર્દીઓએ એ સારવાર મેળવી હતી જે બતાવી આપે છે કે, ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને સારી અને સસ્તી મેડીકલ સારવાર મળી શકે માટે તેનું મુખ્ય કેન્દ્ર સુપર સ્પેશીયાલીટીની સગવડ સાથેની જનરલ હોસ્પીટલો હોય છે જેથી વી.એસ. હોસ્પિટલમાં સુપર સ્પેશીયાલીટીની સગવડ અનિવાર્ય પણ બની જાય છે.
ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના હિતમાં વી.એસ.હોસ્પિટલનું નવીનીકરણ કરવા સાથે સુપર સ્પેશયાલીટીની સગવડ સાથે અઘતન વી.એસ. હોસ્પિટલ શરૂ કરવા માટેની જરૂરી કાર્યવાહી તાકીદે કરવા એ.એમ.સી. મેડીકલ એજયુકેશન ટ્રસ્ટની મીટિંગમાં તમામ બોર્ડ મેમ્બર્સને ગ્રીટીંગ કાર્ડ સાથે ગુલાબના ફુલ આપી પ્રજાહિતની કોંગેસ પક્ષની લાગણી અને માંગણી વ્યકત કરેલ છે.