Western Times News

Gujarati News

ગ્રામવનમાં વૃક્ષોની યોગ્ય જાળવણી કરનારને મળ્યું સન્માન અને 51 હજારનું ઈનામ

પાલનપુરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃક્ષમિત્ર સન્માન કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) દ્વારા વૃક્ષમિત્ર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ કરનાર વૃક્ષમિત્રો અને વૃક્ષ મંડળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વર્ષ-૨૦૨૨ માં ઉભા કરાયેલા ૩૬ ગ્રામવનોમાંથી જે ગ્રામવનમાં વૃક્ષોની યોગ્ય જળવણી અને માવજત કરીને ઉછેરવામાં આવ્યા હોય તેવા વૃક્ષમિત્રોનું તેમજ વૃક્ષમંડળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વૃક્ષ ઉછેર માટે દિયોદર તાલુકાના લુદ્રા ગામના વૃક્ષમિત્રને રૂ. ૫૧,૦૦૦/- સૂઇગામ તાલુકાના બેણપ ગામના વૃક્ષમિત્રને રૂ. ૨૧,૦૦૦/- તથા અછવાડીયા સુરાણા અને વખા ગામના વૃક્ષમિત્રને રૂ. ૧૧-૧૧ હજારના ચેક તથા વૃક્ષમંડળીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના સંકલ્પના ભાગરૂપે વિચરતા સમુદાય સમર્થન મંચ (ફજીજીસ્) દ્વારા જળસંચય તેમજ વૃક્ષો ઉછેરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા વર્ષ-૨૦૧૭ થી અત્યાર સુધીમાં ૧૯૪ તળાવો તેમજ ૧૨ કૂવા રિચાર્જનું કામ કર્યુ છે

તથા વર્ષ-૨૦૧૯ થી અત્યાર સુધીમાં કુલ-૪.૭૮ લાખ વૃક્ષો સાથે ૧૨૩ ગ્રામવનો ઊભા કર્યા છે. દરેક ગ્રામવનમાં વાવેલા વૃક્ષોના જતન અને કાળજીપૂર્વકના ઉછેર માટે આ સંસ્થાએ વૃક્ષમિત્રોની નિમણુંક કરેલી છે તથા દરેક ગામોમાં વૃક્ષ મંડળીની સ્થાપના પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું હતું કે આજે પર્યાવરણ સામે અનેક પડકારો છે ત્યારે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સમાજે આગળ આવવું પડશે. તેમણે કહ્યું કે શ્રી મિત્તલબેન પટેલ વિચરતા સમુદાય સમર્થન મંચના માધ્યમથી પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ બચાવવા માટે ખુબ સરાહનીય કાર્ય કરી રહ્યા છે ત્યારે વૃક્ષમિત્રો અને મંડળીઓેને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવું છું.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમારસિંઘે જણાવ્યું કે વિશ્વમાં પ્રતિવર્ષ ૪ કરોડ વીઘા જંગલો નાશ થઇ રહ્યા છે જે આપણા માટો મોટો પડકાર છે. તેમણે કહ્યું કે જંગલો બચાવવા માટે વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે જેને વિચરતા સમુદાય સમર્થન મંચ જેવી સંસ્થાઓ પણ મદદ કરી રહી છે.

આ સંસ્થા દ્વારા છેલ્લા ૩ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ૪ લાખ કરતા વધારે વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો છે જે અભિનંદનને પાત્ર છે. પર્યાવરણ બચાવવા માટે જનજાગૃતિ અને જનઆંદોલન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતુ. વિચરતા સમુદાય સમર્થન મંચના સેક્રેટરીશ્રી મિત્તલબેન પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જેવા સૂકા પ્રદેશમાં વૃક્ષોરૂપી લીલી ચાદર પાથરવાથી મેઘરાજા મહેરબાન થશે. વૃક્ષો માણસો સહિત હજારો જીવજંતુઓ અને સજીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ છે.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જવેલેક્સ ઈન્ડિયાના સ્થાપકશ્રી પીયૂષભાઈ કોઠારી, સાહિત્યકારશ્રી કનુભાઇ આચાર્ય, શ્રી નારણભાઇ રાવળ તથા વિચરતા સમુદાય સમર્થન મંચની ટીમ અને મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.