Western Times News

Gujarati News

લૂંટના ઇરાદે વૃદ્ધાના ઘરમાં ઘૂસેલા પ્રેમી યુગલની વાડજ પોલીસે ધરપકડ કરી

અમદાવાદ, ઉસ્માનપુરામાં આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે બંગ્લોના ધાબેથી બુકાનીધારી મહિલા ઘરમાં ઘૂસી હતી.

આ મહિલાએ લૂંટ કે ચોરીના ઇરાદે વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી ઝપાઝપી કરી હતી. બાદમાં વૃદ્ધાને બાથરૂમ અને રૂમમાં પૂરવાની પણ કોશિશ કરી હતી. આ મહિલા ચોરી કે લૂંટ કરવામાં સફળ ન થતાં ત્યાંથી ભાગી ગઇ હતી.

વાડજ પોલીસે આ મામલે તપાસ કરીને ગણતરીના સમયમાં જ આરોપી મહિલાના સાગરીતના એક્ટિવાના નંબરથી પ્રેમી યુગલની ધરપકડ કરી છે. ઉસ્માનપુરા શાંતિનગર સોસાયટીમાં રહેતા પરાગબેન શાહના મકાનના નીચેના ભાગે તેમના પતિ ન‹સગ હોમ ચલાવતા હતા.

જે ચાર વર્ષથી બંધ હાલતમાં છે અને ત્યાં સ્ટાફના શાંતાબેન રહે છે. ગત શુક્રવારે સવારે પરાગબેન ઘરે એકલા હતા તેવામાં સાડા આઠેક વાગ્યે મકાનના ધાબાની સીડી વાટેથી એક બુકાનીધારી મહિલા ગોગલ્સ પહેરીને આવી હતી.

આ મહિલાને બુકાની અને ગોગલ્સ કાઢવાનું કહેતા જ તેણે વૃદ્ધા પર હાથ મારીને ચશ્મા કાઢી નાખી આંખમાં મરચાની ભુકી નાખી દીધી હતી. બાદમાં તેમને ખેંચીને બાથરૂમ અને બેડરૂમમાં પૂરી દેવાની કોશિશ કરી હતી. વૃદ્ધા ભાગીને મુખ્ય રૂમમાં દોડી આવતા આ બુકાનીધારી મહિલા ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગઇ હતી.

વાડજ પોલીસે આ મામલે તપાસ કરતા મહિલા આરોપીના સાગરિતના વાહનનો નંબર મળી આવ્યો હતો. જેથી પોલીસે તે નંબર આધારે તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી બે એક્ટિવા પણ કબજે કર્યા છે.

પોલીસે યશ ઉર્ફે શિવમ કૈલાશભાઇ દેવીદાસ ભાવસાર (ઉ.૨૩, રહે. રાણીપ અને વડોદરા) તથા રાખી પરમેશભાઇ ખાંટ (ઉ.૨૪, રહે. ચાંદલોડિયા)ની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં જણાયુ છે કે વડોદરાના યશ ભાવસારે તેની પ્રેમિકાને સાથે રાખીને ઝડપથી પૈસા કમાવા માટે લૂંટ કે ચોરીનો પ્લાન કર્યાે હતો.આ બંગ્લામાં પહેલા ન‹સગ હોમ ચાલતુ હતું. જ્યાં મહિલા આરોપી રાખીની માતા નોકરી કરતી હોવાથી રાખી બંગ્લાની ગતિવિધિઓથી વાકેફ હતી. ઘટના સમયે તેના પ્રેમીને બહાર ઊભો રાખીને તે લૂંટ કે ચોરીના ઇરાદે ઘૂસી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.