વાડજની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પરિચય બાદ સંબંધ રાખવો ભારે પડ્યો
અમદાવાદ, શહેરમાં રહેતી એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. સગીરાએ યુવક સાથે પરિચય કર્યા બાદ તેને મળવા ગઇ ત્યારે આરોપીએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપી તેના ઘરે માતાને મળાવવા માટે સગીરાને લઇ ગયો ત્યારે પણ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કરીને કોઇ મંદિરમાં લગ્ન કર્યા હતા.
બાદમાં સગીરા આરોપીના ઘરે રહેતી હતી ત્યારે આરોપીના માતા પિતાએ ઠપકો આપ્યો હતો. જ્યારે આરોપીએ ઝઘડો કરીને કાઢી મૂકતા આ મામલે વાડજ પોલીસે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવા વાડજમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને એક વર્ષ પહેલા વિશાલ ગૌસ્વામી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી.
૨૦૨૩ના ઓગષ્ટમાં સગીરાની બહેન ગર્ભવતી હોવાથી તેની પાસે રાજસ્થાન જવાનું હોવાથી સગીરાએ વિશાલ પાસે મદદ માંગી હતી. સગીરાએ વિશાલને લેવા બોલાવી કાલુપુર રેલવે સ્ટેશન મૂકી જવાનું કહેતા વિશાલ તેને લઇને નરોડા ખાતે એક હોટલ ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો.
જ્યાં એક દિવસ રાખી હતી અને સંબંધ બાંધ્યા હતા. બે ત્રણ દિવસ બાદ વિશાલે પરિવારજનોને મળવાનું કહેતા સગીરા નરોડા ખાતે ગઇ હતી. ત્યારે વિશાલ તેને ફરીથી ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ એક માસ પછી વિશાલે ઇન્સ્ટાગ્રામ આઇડી પર સગીરાનો ફોટો અપલોડ કરતા સગીરાએ મનાઇ કરી ત્યારે વિશાલે તું મારી પાસે આવીશ તો તારા બધા ફોટો ડિલિટ કરી દઇશ તેમ કહેતા સગીરા ફરી વિશાલને મળવા ગઇ હતી. ત્યારે પણ વિશાલ તેને હોટલમાં લઇ ગયો હતો અને ચાર દિવસ રાખીને સંબંધ બાંધ્યા હતા.
બાદમાં વિશાલ તેના ઘરે સગીરાને મળાવવા લઇ ગયો અને ત્યાં તેની માતાને સગીરા સાથે મળાવીને લગ્નની વાત કરી હતી. બાદમાં વિશાલે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કરીને લાલ દરવાજા કોઇ મંદિરમાં લઇ જઇને લગ્ન કર્યા હતા. ત્યારબાદ સગીરા વિશાલ સાથે તેના ઘરે રહેવા લાગી હતી.
એક માસ બાદ વિશાલ મોરબી કામ માટે ગયો ત્યારે વિશાલના માતા પિતાએ કાચના વાસણ તુટવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી સગીરા વિશાલ પાસે મોરબી જતી રહેતા વિશાલે ઝઘડો કરીને સગીરાને કાઢી મૂકી હતી. જેથી સગીરા તેની માતા પાસે આવી ગઇ હતી. બાદમાં ફરિયાદ કરી હતી.SS1MS