વાળ લાંબા કરવા છે ?
ઘણી યુવતીઓને લાંબા વાળ બહુ પસંદ હોય છે પણ વાળને રાતોરાત લાંબા નથી કરી શકાતા. વાળ લાંબા અને સ્વસ્થ બનાવવા હોય તો એની સારી રીતે કાળજી લેવી પડે છે. સામાન્ય રીતે વાળ એક મહિનામાં અડધો ઈંચ જેટલા વધે છે. જાે તમારા વાળ સ્વસ્થ હોય તો એમાં ક્યારેય સ્પ્લિટ એન્ડ નહી થાય. જાેકે ઘણી વખત એક હદ પછી વાળ વધવાનું બંધ થઈ જાય છે. જાે કોઈને વાળ વધારવાનો શોખ હોય તો એની સારી રીતે સંભાળ રાખવી જરૂરી છે.
દર મહિને એક વખત વાળને થોડા ટ્રિમ કરાવી લો. તમને કદાચ એવું લાગશે કે આનાથી વાળની લંબાઈ નહી વધે પણ એવું નથી. આવું કરવાથી વાળમાં ચમક જળવાઈ રહે છે અને સ્પ્લિટ એન્ડ દૂર થઈ જાય છે. આ સિવાય જયારે હેરવોશ કરો ત્યારે કંડિશનરનો ઉપયોગ ચોકકસ કરો. આનાથી વાળને પુરતું પોષણ અને ભેજ ભળે છે. જાે વાળને શેમ્પુ કરવાથી એની કોઈ હાનિકારક અસર થઈ હોય તો કન્ડિશનરથી એને દૂર કરીને વાળને સ્વસ્થ રાખી શકાય છે. આટલું કરવાથી વાળ વધવાની ઝડપ વધી જશે.
જાે તમારે વાળને સ્વસ્થ રાખવા હોય તો હેયર માસ્ક લગાવવો જાેઈએ. જાે તમે ઈચ્છો તો હેરમાસ્કને ઘરમાં પણ બનાવી શકો છો. જાે તમને હેરમાસ્ક બનાવતા ન આવડતું હોય તો વાળને ઓઈલ ટ્રીટમેન્ટ પણ આપી શકાય છે. આનાથી વાળને ભેજ મળે છે અને એ વધારે મુલાયમ બની જાય છે. વાળને સ્વસ્થ બનાવવા હોય તો સાટિનનો તકિયો વાપરવાથી વાળ ખરવાનું ઘટી જશે અને વાળનો ભેજ તકિયામાં નહીં શોષાય. માથામાં નિયમિત રીતે હેડમસાજ કરવાથી પણ વાળની ગુણવત્તા સુધરે છે. માથામાં મસાજ કરવાથી વાળનો ગ્રોથ વધે છે. માથામાં મેસેજ કરવાથી નવા વાળ પણ ઉગે છે અને માથાની મૃત ત્વચા પણ નીકળી જાય છે.
જાે તમારા વાળ શુષ્ક રહેતા હોય તો નિયમિત રીતે તેલ નાખીને સારા શેમ્પુથી વોશ કરો. આનાથી વાળ વધારે સ્વસ્થ બની જાય છે અને તેલ વાળને ચમક આપે છે. જાે તમારે વાળ લાંબા અને સ્વસ્થ રાખવા હોય તો દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત બ્રશ કરો. સૂતા પહેલા વાળને સારી રીતે બ્રશ કરીને પછી ખુલ્લા રાખીને જ સુઓ. ભીના વાળમાં કાંસકો ન ફેરવો કારણ કે એનાથી વાળ તૂટી જાય છે. વાળને ધીમે ધીમે બ્રશ કરો. જાેરથી વાળ ઓળવાથી એ નબળા પડી જાય છે.