ગુજરાતના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ, ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૨૮ જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં છુટછવાયો વરસાદ વરસશે.
આજે હવામાન વિભાગે ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે. અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૦ ટકા વરસાદ નોંધાયો છે.
ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલા ડેમની સંખ્યા ૪૬ સુધી પહોંચી છે. ૭૦થી ૧૦૦ ટકા ભરાયેલા ડેમની સંખ્યા ૨૫ છે. ૫૦થી ૭૦ ટકા ભરાયેલા ડેમની સંખ્યા ૪૧ છે. તો ૨૫ ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા ૬૯ છે. આ સાથે રાજ્યની ૧૦ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
ભારે વરસાદના કારણે પોરબંદરથી ધોરાજી પંથક સુધી અને દક્ષિણ ગુજરાતમાં જન જીવન ખોરવાયું છે. વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ૪ હજાર ૨૩૨થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે.
તો પાણીમાં ફસાયેલા ૫૩૫ લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા છે. સૌથી વધારે નવસારી, દ્વારકા, સુરત અને ભરુચ જિલ્લામાં સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદથી ગામડાના માર્ગોથી લઈને સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા છે. ૧૭ રાજ્ય ધોરીમાર્ગો અને ૪૨ અન્ય રસ્તા અને પંચાયતના ૬૦૭ રસ્તાઓ સહિત કુલ ૬૬૬ રસ્તાઓ હાલમાં બંધની સ્થિતિમાં છે. તો રાજ્યના ૨૩૫ ગામમાં હજુ પણ વીજળી ગૂલ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. બુધવારે ખાબકેલા અનરાધાર વરસાદથી વડોદરા, આણંદ અને સુરત જિલ્લો પાણી પાણી થઇ ગયો. શહેરના રાજમાર્ગો જળમગ્ન જોવા મળ્યાં. નીચાણવાળા વિસ્તારમાં તો ઘરમાં પાણી ઘૂસી જાતાં ઘરવખરીને પણ નુકસાન થયુ છે. તો ખેતરો જળમગ્ન બની બેટ ફેરવાતાં પાકના નુકસાનીની પણ ભીતિ સેવાઇ રહી છે.SS1MS