શું અમદાવાદની ‘હોટલ હયાત’ને રૂ.૧૫ કરોડનો દંડ કરાયો હતો?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/0802-gn-1.jpg)
અમદાવાદ, જરાય સાચી માનવાનું મન ન થાય એવી અને સચિવાલયમાં ખૂબ ચર્ચાયેલી વાત જો સાચી માનીએ તો સમાચાર એવા છે કે અમદાવાદની ‘પંચતારક હોટલ હયાત’ને એક સર્વોચ્ચ સત્તામંડળ દ્વારા રૂ.૧૫/- કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તેનું કારણ એ છે કે સંબંધિત સત્તામંડળના એક રાષ્ટ્રીય કક્ષાનાં કાર્યક્રમની આ હોટેલને યજમાનગીરી સોંપવામાં આવી હતી પરંતુ તેમાં ગુણવત્તા ન જળવાતા આ દંડ કરાયો હતો.પછી સ્થિતિ એવી થઈ કે સંબંધિત સત્તામંડળ પાસે દંડ વસુલવાનુ કોઈ તંત્ર ન હતું
એટલે એ કામગીરી સરકારને સોંપવામાં આવી હોવાનું કહેવાય છે. પરંતુ આ અંગે સરકારે જીણું કાંતતા ખ્યાલ એવો આવ્યો કે દંડ અંગે જે હુકમ કરાયો છે તે જ ઉચિત સ્વરૂપનો નથી! જે વાત સંબંધિત સત્તામંડળને ધ્યાને મુકી દેવામાં આવી! આટલું થયા પછી શું થયું તેની વિગતો બહાર નથી આવી હોં!
હેં, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને સુરત સર્કિટ હાઉસમાં એક કલાક સુધી ચા ન મળી!
અહીં અગાઉ ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા અને બળવંતરાય મહેતાની થતી અવગણનાની વાત લખી છે. ત્યાં વળી એક ત્રીજા પૂર્વ મુખ્યમંત્રીની થયેલી અવગણનાની વિગતો બહાર આવી છે.
વાત જાણે એમ બની કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરત ગયા હતા ત્યારે ત્યાંના સરકારી સર્કિટ હાઉસમાં રોકાયા હતા.
એમાં બન્યું એવું કે શંકરસિંહે સવારમાં ચા મંગાવી પણ લાંબા સમય સુધી ચા આવી નહીં એટલે વ્યવહારુ રાજકારણી વાઘેલા રસોડામાં ગયા અને સત્વરે ચા આપવા કહ્યું પણ તેનું કોઈ પરીણામ ન આવ્યું, એ પછી શંકરસિંહ ફરીવાર રસોડામાં ‘ચા’ની ઉઘરાણી કરવા ગયા પણ પરીણામ શૂન્ય!
છેવટે એક કલાક પછી બીચારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ચા મળી! શંકરસિંહ વાઘેલાએ આ અંગે લેખિત ફરિયાદ પણ કરી છે. ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રીની સર્કિટ હાઉસમાં આ દશા હોય તો અન્ય સામાન્ય ઓફિસરોની તો સુરતના સર્કિટ હાઉસમાં શું દુર્દશા થતી હશે એ તો કલ્પવુ જ રહ્યુંને?
વિડિયો ફરતો થયો છે કે હાર્દિક પટેલ બાજી બીછાવીને બેઠા છે?
પાટીદાર આંદોલનના અગ્રણી સેનાની અને હાલ ભા.જ.પ.ના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જુગારની બાજી બીછાવીને બેઠા હોય અને જુગાર રમતા હોય તેવો વિડિયો વાઇરલ થયો છે.વળી એવું પણ કહેવાય છે કે જ્યાં જુગાર રમાય છે એ સ્થળ પણ હાર્દિક પટેલની ઓફિસ હોવાનું જણાય રહ્યું છે!
આ અંગે હાર્દિક પટેલ એવો ખુલાસો કરે છે કે સદરહુ વિડિયો જુનો છે અને વિરોધીઓ બદનામ કરવાની કોશિશ કરવાનાં ભાગરૂપે આ વિડીયો વહેતો મુક્યો છે! અહીં નોંધપાત્ર વાત એ છે કે હાર્દિકે આ વિડીયો જુનો છે એમ કહ્યું છે,ખોટો છે એવું નથી કહ્યું.એટલે બને એવું કે હાર્દિક પટેલના આ ખુલાસાના પણ અનેક અર્થઘટન થઈ શકે હોં!
શું ગુજરાત સરકારને ઈનચાર્જ કુલપતિઓથી જ યુનિવર્સિટીઓ ચલાવવી છે?
ગુજરાત સરકાર જે બાબતોથી સતત ચર્ચામાં રહે છે કે બદનામ થાય છે એમાંની એક બાબત ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા છે.
હાલ ગુજરાતમાં(૧)ઃ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (૨)ઃ-ભાવનગર યુનિવર્સિટી(૩)ઃ-જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી અને (૪)ઃ-ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સીટીનો આવી કુલપતિ વગરની યુનિવર્સિટીમાં સમાવેશ થાય છે.
કુલપતિઓ નિમવા પાછળ કરાતા અસાધારણ વિલંબ પાછળનું કોઈ નક્કર કારણ તો દેખાતું નથી પણ કર્ણોપકર્ણ વહેતી રહેલી વાતો જો સાચી માનીએ તો (ક)ઃ-અંદરોઅંદરના તીવ્ર મતભેદો(ખ)ઃ-કેટલીક ચોક્કસ ભગીની સંસ્થાઓના જડ આગ્રહો(ગ)ઃ-ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શનનો અભાવ અને(ઘ)રાજ્ય કક્ષાએથી નિર્ણાયકતાનો અભાવ આ માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
સાહસિકો માટે ગુજરાતમાં પર્વતારોહણની પ્રવૃત્તિ વિકસી રહી છે!
ગુજરાત રાજ્યના કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સાહસિક પ્રવૃત્તિના પર્યાય સમા પર્વતારોહણની પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી રહી છે તે સમાચાર સાહસિકો માટે આનંદદાયક ગણાય. ધ્રુવકુમાર પંડ્યા અને નંદિની પટેલનાં પ્રયાસથી ગુજરાતમાં પર્વતારોહણની પ્રવૃત્તિ વિકસી છે.આ માટે અગાઉ માત્ર માઉન્ટ આબુ ખાતે જ તાલીમની સુવિધા ઉપલબ્ધ હતી.એ પછી જુનાગઢમાં એ સગવડ ઉભી કરાઇ અને
હવે(૧)ઃ-છોટાઉદેપુરના માખણિયા ડુંગર તથા(૨)ઃ-ધોરાજીનો ઓસમ ડુંગર ખાતે પર્વતારોહણ તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત ભવિષ્યમાં(૩)ઃ-નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આવેલાં તોરણિયા ડુંગર ખાતે તથા
(૪)ઃ-ડાંગમાં હવે પછી પસંદ થનારા સ્થળ ખાતે આ તાલીમ શરૂ થશે.આ રીતે કુલ ૬ સ્થાનોએ પર્વતારોહણની તાલીમની સુવિધાઓ ઉપલબ્ધ થશે.આ માટે કમિશનર આલોકકુમાર પાંડે અને સહાયક નિયામક સાંઈ જીગ્નેશ પટેલ અભિનંદનના અધિકારી છે હોં!