1 હજાર ઘરોને જોડાણ આપવામાં આવ્યા છતાં પણ પાણી વિહોણા
૩ વર્ષથી સંપ બનીને તૈયાર પરંતુ નલ સે જલ યોજના અંતર્ગત બનેલ યોજના ધૂળ ખાઈ રહી છે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વિશ્વનાથ ટાઉનશીપ ખાતે પાણીનો સંપ ૩ વર્ષથી બનીને તૈયાર છે.પરંતુ નલ સે જલ યોજના અંતર્ગત બનેલ યોજના ધૂળ ખાઈ રહી છે.જેના કારણે તુલસીધામ વિસ્તારમાં રહેતા લોકોને પાણી મળી રહ્યું નથી.ત્યારે સ્થાનિક રહીશોએ જણાવ્યુ હતું કે વિશ્વનાથ ટાઉનશીપ ખાતે પાણીનો સંપ બનાવવા ૨ હજાર સ્ક્વેર ફૂટ જગ્યા આપવામાં આવી છે.
તેમ છતાં આજદિન સુધી પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી.નલ સે જલ યોજના અંતર્ગત અંદાજે ચાર સોસાયટીના ૧ હજાર મકાનના કનેક્શનો ખરીદવામાં આવ્યા છે.પરંતુ ૩ વર્ષ થયા પણ પાણી ચાલુ કરવામાં આવ્યું નથી.તેમજ સંપમાં પાણી આવી ગયું હોવા છતાં પાણી આપવામાં કેમ આવતું નથી તેવા આક્ષેપ સ્થાનિકો થકી કરવામાં આવી રહ્યો છે.
ઉલેખનીય છે કે વાસમો અંતર્ગત નલ સે જલ યોજના ચાલુતો કરવામાં આવી છે.પરંતુ આજે પણ મોટા ભાગના ગામડાઓમાં પણ અમલવારી કરવામાં તંત્ર ધીમી ગતિએ કામગીરી કરી રહ્યું છે. તેવું લાગી રહ્યું છે.ત્યારે જલ્દીથી નલ સે જલ યોજના અંતર્ગત પાણી ચાલુ કરવામાં આવે તેવું સ્થાનિક રહીશો માગ કરી રહ્યા છે.
પાણીનો સંપ બન્યોને ત્રણ વર્ષ થયા પાણી આવ્યું નહીં વિશ્વનાથ ટાઉનશીપ ખાતે આવેલ પાણીનો સંપ ૩ વર્ષથી બનીને તૈયાર છે. સંપ માટે પાણી છે, મોટર બેસાડી છે, મીટર પણ છે,છતાં પણ નલ સે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનેલ યોજના ધૂળ ખાઈ રહી છે.
પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના પ્રયાસ થકી પ્રજાને પીવાનું શુદ્ધ પાણી મળે તે હેતુથી આ યોજના લાવવામાં આવી પરંતુ આજ દિવસ સુધી તુલસીધામ વિસ્તારમાં પાણી આવ્યું નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.
પાણીનો સંપ ભરાતા બે દિવસમાં પાણી ચાલુ કરાશે આજે અમે પાણીના સંપમાં અડધો કલાક પાણી પાડ્યું છે.જેથી બે દિવસમાં સંપ ભરાતા તુલસીધામ વિસ્તારમાં આવેલા ૧૦ થી ૧૫ જેટલી સોસાયટીમાં પાણી ચાલુ કરી દેવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.