ગંગા નદીનું પાણી આલ્કલાઈન વોટર જેટલું શુદ્ધ છેઃ વૈજ્ઞાનિક

File Photo
પાણી સ્નાનને લાયક નહિ હોવાના અનેક દાવાથી વિપરીત પદ્મશ્રીથી અલંકૃત વૈજ્ઞાનિક ડો. અજય સોનકરનો દાવો
નવી દિલ્હી, મહાકુંભમાં ગંગા નદીના જળની શુદ્ધતાને લઈને પ્રશ્નો પેદા થઈ રહ્યા છે. આ દરમિયાન દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પદ્મશ્રીથી અલંકૃત ડો. અજય સોનકરે ગંગાના પાણીને ફક્ત સ્નાન યોગ્ય જ નહીં, પરંતુ અલ્કલાઈન વોટર જેટલું શુદ્ધ ગણાવ્યું છે.ગંગાના નદીના પાંચ ઘાટોના પાણીને લેબોરેટરીમાં ચકાસ્યા પછી વૈજ્ઞાનિક અજય સોનકરે આ દાવો કર્યાે છે.
તેમણે વધુમાં કહ્યું કે, મહાકુંભમાં ૫૭ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગામાં સ્નાન કર્યું છતાં તેની શુદ્ધતા પર કોઇ અસર પડી નથી.મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય એપીજે અબ્દુલ કલામની સાથે વૈજ્ઞાનિક ચર્ચા કરી ચૂકેલા ડો.અજય સોનકરે કહ્યું કે તેમણે પોતાની નૈની સ્થિત લેબોરેટરીમાં ગંગા નદીના પાણીનો ટેસ્ટ કર્યાે છે. આ સાથે ગંગાજળની શુદ્ધતા પર પ્રશ્નો કરનારાઓને લેબોરેટરીમાં તપાસનો પડકાર ફેંક્યો અને કહ્યું કે જેમને સહેજ પણ શંકા હોય, એ મારી સામે ગંગાજળ લાવે અને અમારી પ્રયોગશાળામાં તપાસ કરીને સંતુષ્ટ થઈ જાય.
મોતી ઉગાડવાની દુનિયામાં જાપાનના વર્ચસ્વને પડકાર આપનાર વરિષ્ઠ ભારતીય વૈજ્ઞાનિક ડો.અજય સોનકરે કહ્યું છે કે સતત ત્રણ મહિનાના સંશોધન દરમિયાન આ સાબિત કર્યું છે કે ગંગાજળ સૌથી શુદ્ધ છે. ત્યાં(સંગમમાં) સ્નાન કરવામાં કોઇ નુકસાન થઈ શકે નહીં.પ્રયોગશાળામાં ગંગા જળના નમૂનાઓને ૧૪ કલાક સુધી ઈન્ક્યુબેશન તાપમાન પર રાખ્યા પછી પણ તેમાં કોઈ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ નથી.
આ સાથે ડો.સોનકરે કહ્યું કે, ગંગા જળ ફક્ત સ્નાન માટે સુરક્ષિત છે એવું નથી, પરંતુ ગંગાજળના સંપર્કમાં આવવાથી ચામડી સંબંધિત રોગ પણ થતા નથી.ડો. સોનકરે જણાવ્યું કે પાંચ ઘાટોમાંથી ગંગા જળના નમૂના લીધા અને લેબોરેટરીમાં સૂક્ષ્મ પરીક્ષણ કર્યું છે. આ દરમિયાન જાણવા મળ્યું કે કરોડો શ્રદ્ધાળુઓના સ્નાન છતાં જળમાં બેક્ટેરિયલ ગ્રોથ થયો નથી અને પીએચ સ્તરમાં કોઇ ઘટાડો થયો નથી.
આ સંશોધનમાં જાણવા મળ્યું કે ગંગાજળમાં ૧૧૦૦ પ્રકારના બેક્ટીરિયોફેજ છે. જે કોઈ પણ હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરી નાખે છે. જેના કારણે ગંગાજળ દૂષિત થયું નથી.આઈઆઈટી સ્નાતક ઉર્ફે આઈઆઈટી બાબા આચાર્ય જયશંકરે ગંગા નદીનું પાણી પ્રદૂષિત હોવાના અહેવાલને ફગાવી કહ્યું કે, ગંગા નદીનું પાણી શુદ્ધ અને સ્નાન કરવા માટે બરાબર છે અને તે પ્રદૂષિત નથી.
ઉલ્લેખનીય છે મહાકુંભ મેળામાં કરોડો ભક્તોએ પવિત્ર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી છે, એવામાં સીપીસીબીએ ગંગાનું પાણી પ્રદૂષિત હોવાનો અહેવાલ આપીને વિવાદ પેદા કર્યાે હતો.