દિલ્હીમાં પાણીની પરિસ્થિતિ વિકટ બનીઃ સેનાની મદદ લેવાઈ

યમુના નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો
(એજન્સી)નવી દિલ્હી, એક તરફ યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી પર મુસીબતોનો પહાડ તુટી પડ્યો છે, દિલ્હી આખું પાણીમાં ડુબી ગયું હોવા તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. ચારેકોર ભરાયેલા પાણીએ સૌને પરેશાન કરી દીધા છે,
તો બીજી તરફ દિલ્હી અને નોઈડામાં ભારે વરસાદે ફરી ટેન્શન વધાર્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ રાજધાનીના ઘણા વિસ્તારોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે, આવી સ્થિતિમાં યમુના નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
થોડા સમય પહેલાં જ હવામાન વિભાગે દ્વારા જારી કરાયેલા એલર્ટમાં જણાવાયું હતું કે, ૨ કલાક દરમિયાન દિલ્હીના બવાના, બુરાડી, રોહિણી, મોડલ ટાઉન, પીતમપુરા, ઈન્ડિયા ગેટ, લોદી રોડ, નેહરુ સ્ટેડિયમ, લાજપત નગર, કાલાકાજીમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત એનસીઆરના નોઈડા, ફરીદાબાદ, વલ્લભગઢના આસપાસના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થશે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રીએ હાલની પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સેના પાસેથી મદદ માંગી હતી, ત્યારબાદ સેનાએ તરત જ એન્જિનિયર્સ કોર્પ્સના જવાનોને મોકલ્યા છે. એક ટીમ આઈટીઓ નજીક તૈનાત છે, જે દિલ્હી વોટર બોર્ડના તૂટેલા રેગ્યુલેટરને રિપેર કરવાની કામગીરીમાં જાેતરાઈ છે,
જ્યારે બીજી એન્જિનિયર ટાસ્ક ફોર્સ પાણીના નિકાલ માટે ડબલ્યુએચઓબિલ્ડિંગની નજીકના ગટરને ખોલવાની કામગીરી કરી રહી છે. સેનાએ ૨ એડિશનલ એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સને મેરઠથી દિલ્હી બોલાવ્યા છે, જેને સ્ટેન્ડબાય પર રખાઈ છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, ત્યાંથી પાણી છોડ્યા બાદ સૌથી પહેલા હરિયાણાને અસર થઈ છે.
કેટલાક જિલ્લાઓ પછી દિલ્હી આવે છે. આનાથી અમે પોતે પ્રભાવિત થયા છીએ… તેઓએ એવો વિષય ન ઉછાળવો જાેઈએ કે, ખૂબ પાણી છોડાયું છે. ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ધરખમ વધારો થવાનું મુખ્ય કારણ હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાનું માનવામાં આવે છે.
મુખ્યમંત્રી કેજરીવાલ હરિયાણા સરકારને પાણી ન છોડવાની અપીલ કરી રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જુદા જુદા કારણોસર પાણી જુદા જુદા વિસ્તારોમાં પ્રવેશ્યું છે. અહીં (ડ્રેન રેગ્યુલેટર તૂટવાને કારણે) રાજઘાટ પર નાળામાંથી પાણીનો બેકફ્લો થવાના કારણે અને અન્ય ઘણી જગ્યાએ ઓવરફ્લોના કારણે યમુના નદીનું પાણી અહીંના વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. ઉપરાંત તેમણે કહ્યું કે, લોકોને ટૂંક સમયમાં રાહત મળવા લાગશે, ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું છે.