ધરતીને પ્રાકૃતિક ખેતી દ્વારા બચાવવાની આગેવાની આપણે સૌએ લેવી પડશે : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
પ્રાકૃતિક કૃષિને જીવનનું અંગ બનાવીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
આંકલાવડી આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ જિલ્લાના આંકલાવડી ખાતે આવેલા આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિને જીવનનું અંગ બનાવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, આજથી ૩૦-૪૦ વર્ષ પહેલા કોઈપણ જાતની ગંભીર બીમારી થતી નહોતી,
પરંતુ રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. We all have to take the lead in saving the earth through natural farming: Gurudev Sri Sri Ravishankarji
પ્રકૃતિ સાથે છેડછાડ કરવાના પરિણામો આજે માનવજાત ભોગવી રહી છે તેમ જણાવી, જળ વાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે જેના માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતીને આપણે તિલાંજલી આપવી પડશે તેમ ઉમેર્યું હતું.
ખેતીમાં વધૂ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ ઘટતાં ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે એટલું જ નહી, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનું આ અભિયાન જન માનસ સુધી પહોંચે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે, ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે. તેમણે આ તકે પવિત્ર ધરતી માતાને ઝેર મુક્ત બનાવી ઉપસ્થિતોને પ્રકૃતિ તરફ પાછા વળવા અપીલ પણ કરી હતી.
પ્રાકૃતિક કૃષિના ફાયદા જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ગ્લોબલ વૉર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે તેવા સમયે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક કૃષિએ અસરકારક શસ્ત્ર સાબિત થઈ શકે છે.
પ્રાકૃતિક કૃષિ કરવા માટે વપરાતા ગાયના એક ગ્રામ છાણમાં ત્રણ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણું હોય છે જેનાથી બનતા જીવામૃતમાં દર ૨૦ મિનિટે સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યામાં બમણો વધારો થાય છે, આ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનના સેન્દ્રીય કાર્બનમાં વધારો થવાની સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
રાજ્યપાલશ્રીએ ખેતીમાં વપરાતા યુરિયામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડથી ૩૧૨ ગણો વધુ નુકશાનકારક છે જે ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, પ્રકૃતિના આવા પ્રકોપ સામે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓએ જળ સંરક્ષણ, નદીઓને પુનર્જીવિત કરવી, વૃક્ષારોપણ જેવા અનેક અભિયાનો દ્વારા આપણને સાચો રાહ બતાવ્યો છે ત્યારે આપણે પ્રાકૃતિક કૃષિને અપનાવીને પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે.
તેમણે આ તકે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ જ ઇશ્વરની આરાધના સમાન છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, પરમાત્માની બનાવેલી પ્રકૃતિનું રક્ષણ કરી આપણે તેને સુખી બનાવશું તો આપણે પણ સુખી બની શકીશું.
આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સ્થાપક અને પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી એ જણાવ્યું હતું કે, ભારત દેશ પાચીનકાળથી કૃષિ-ઋષિઓનો દેશ રહ્યો છે. આપણા ઋષિ મુનીઓની દૂરદર્શિતાનો લાભ આપણને અત્યાર સુધી મળ્યો છે. પરંતુ તે પછીના ઘણા વર્ષોમાં આપણે જોયું છે કે, પ્રકૃતિ સાથે છેડછાડ કરીને માનવજાતે પોતાના માટે જ જોખમો ઉભા કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને લીધે છેલ્લા કેટલાંક વર્ષોમાં દેશમાં કૃષિ-ઋષિઓએ આપેલા અમૂલ્ય વારસાને સાચવવામાં, તેનું જતન કરવામાં અને ફરીથી પ્રકૃતિ સાથે તાલમેલ કરીને જીવનને સરળ અને સ્વસ્થ બનાવવાના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે જે ખુબ જ સરાહનીય છે.
શ્રી શ્રી રવિશંકર જી એ ધરતીને પ્રાકૃતિક ખેતી દ્વારા બચાવવાની આગેવાની આપણે સૌએ લેવી પડશે, તેમ જણાવી પ્રાકૃતિક કૃષિથી થતાં વિવિધ ફાયદાઓ અને રાસાયણિક કૃષિથી જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તાને થતાં નુકસાન વિશે ઉદાહરણો દ્વારા સમજણ આપી હતી.
વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી કરવી આજના સમયની તાતી જરૂરીયાત છે તેમ જણાવી પ્રાકૃતિક ખેતીની સાથે પ્રાકૃતિક જીવનશૈલી પણ અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે વૃક્ષારોપણનું પણ મહત્વ સમજાવી વૃક્ષોનું જીવનમાં અને પ્રાકૃતિક કૃષિમાં રહેલા મહત્વને વર્ણાવી પ્રાકૃતિક કૃષિ અપનાવવાની સાથે ઘરે ઘરે પ્રાકૃતિક ખેતી, જલ સંરક્ષણ, આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે પ્રાકૃતિક કૃષિનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે હેતુથી પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. સી.કે.ટિંબડીયા અને શ્રી શ્રી ઇન્સ્ટીટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી ટ્ર્સ્ટના શ્રી એમ.એસ. રંગરાજ દ્વારા બન્ને સંસ્થાઓ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને શ્રી શ્રી રવિશંકર જી એ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે આવેલી ગૌશાળાની મુલાકાત લઇ ગાય માતાની પૂજા અર્ચના કરી હતી.
આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે યોજાયેલ આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, જિલ્લા પુરવઠા અધિકારી સહિત રાજ્યભરમાંથી આવેલા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને શ્રી શ્રી ના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.