આપણે વૈદિક પરંપરાઓના લોકો છીએ- આપણો દેશ વિશ્વ કલ્યાણ માટે હંમેશા અગ્રેસર રહ્યો છે: રાજ્યપાલ
પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, ધરતી માતા, પાણી, ગૌ માતા તથા લોકોના સ્વાસ્થ્યને બચાવે છે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે
૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જણાવ્યું હતું કે, જે દેશનું આપણે અન્ન ખાઈએ છીએ, જે દેશની હવા લઈએ છીએ, પાણી પીએ છે, તેના પ્રત્યે આપણે સાચી દિશામાં કર્તવ્ય નિભાવીએ તે જરૂરી છે. આપણી ઋષિમુનિઓના સંતાનો છીએ. આપણે વૈદિક પરંપરાઓના લોકો છીએ. આપણો દેશ વિશ્વ કલ્યાણ માટે હંમેશા અગ્રેસર રહ્યો છે. આપણે હંમેશા વિશ્વ કલ્યાણનો ભાવ રાખ્યો છે, આપણો દેશ અન્યોના જીવનમાં સુખ લાવવાનું કાર્ય આદિ કાળથી કરી રહ્યો છે.
૭૬મા પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ ગુજરાત રાજભવનના મહર્ષિ દયાનંદ સભગૃહમાં આયોજિત ‘એટ હૉમ‘ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જણાવ્યું હતું કે, આજે દેશના તમામ રાજભવનમાં એટહોમ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ તમારા બધાના સહયોગથી ગુજરાતનો એટ હોમ બધાથી અલગ છે. બાકી રાજ્યોમાં એક હોમ પરંપરાગત રીતે આયોજિત કરવામાં આવે છે. We are people of Vedic traditions – our country has always been at the forefront for world welfare: Governor
દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીરોનું સ્મરણ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે આપણે જે સ્વતંત્ર ભોગવીએ છીએ, તે એ ક્રાંતિવીરોને આભારી છે, જેમણે પોતાના માટે કંઈ વિચાર્યા વગર પોતાના જીવ ન્યોછાવર કર્યા છે. એ લોકોએ આપણા ભવિષ્ય માટે, રાષ્ટ્રની ગરિમા, ગૌરવ અને સ્વતંત્રતા માટે બલિદાન આપવાનો રસ્તો પસંદ કર્યો હતો, ત્યારે આપણી નૈતિક ફરજ બને છે કે, આજે ગણતંત્ર પર્વ પર તેમનું સ્મરણ કરીએ અને તેમનામાંથી પ્રેરણા લઈએ અને જે લક્ષ્યથી તેમણે દેશને આઝાદી અપાવી છે, આપણે એ દિશામાં દેશને લઈ જઈએ.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુલામીનો બહુ મોટો કાળખંડ આવ્યો, જેમાં આપણે આપણી ગરિમા અને ગૌરવને ભૂલી ગયા, આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવ્યો, આપણને નબળા બતાવવામાં આવ્યા, પણ આપણે એવા નથી. ભારત વિશ્વ ગુરુ હતો, સમગ્ર દુનિયામાંથી લોકો અહીં અભ્યાસ કરવા આવતા હતા. અનેક પ્રકારની ટેકનોલોજી શીખવા આવતા હતા. તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા પહેલાનો સમય તો તેનાથી પણ ભવ્ય હતો.
પરંતુ, વેર – ઝેર, પરસ્પર મતભેદ અને જાત-પાતના ઝેરના કારણે આપણે નબળા પડ્યા અને તેના કારણે એક ભવ્ય સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું અને ધીરે ધીરે આપણે ગુલામીમાં સપડાઈ ગયા. પરંતુ, તે ગુલામીમાંથી આપણને લાખો લોકો એ તેમનું બલિદાન આપીને વર્ષ 1947માં આઝાદી અપાવી. આજના દિવસે તે તમામ વીરો અને નમન કરીએ કે, જેના કારણે આપણે આજે દેશનો 76મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યા છીએ.
રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, આપણા સૌનું સૌભાગ્ય છે કે, આપણો દેશ અમૃત કાળમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આવનાર સમય આપણો છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આવનારી પેઢીઓ માટે વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે, રાજ્ય અને દેશ વિકાસની દિશા તરફ આગળ વધી રહ્યો છે તેમાં આપણું પૂર્ણ યોગદાન આપીએ. તેનાથી મોટી દેશ સેવા કોઈ નથી.
જેવી રીતે આપણે આપણા ઘરમાં કામ કરીએ છીએ, તેવી જ રીતે દેશ માટે કામ કરીને એક સારા સમાજનું નિર્માણ કરીને દેશના નિર્માણમાં સહયોગી બનીશું, તો આપણે વિકસિત ભારતના લક્ષને ઝડપથી સાકાર કરી શકીશું.
આપણો દેશ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે તેમ કહીને રાજયપાલશ્રીએ ઉમેર્યું કે, આજે ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, રાજ્યના ખૂણે ખૂણે માળખાગત સુવિધાઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે, પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, ધરતી માતા, પાણી, ગૌ માતા તથા લોકોના સ્વાસ્થ્યને બચાવે છે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે. આ દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ભરમાં ખૂબ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આજે સમય છે, અત્યારે નહીં સમજીએ તો મોડું થઈ જશે. અત્યારે 5-10 વર્ષના બાળકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. ખેતીમાં યુરિયા ડીએપી અને પેસ્ટીસાઈડ્સના ઉપયોગને કારણે ખોરાકમાં ધીમું ઝેર આવી રહ્યું છે. આ તમામથી બચવાનું અભિયાન રાજ્ય સરકારે ચલાવ્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન જાહેર કર્યું છે. હવે ગુજરાતનું અભિયાન રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે.
રાજ્યપાલ શ્રી ઉપસ્થિત તમામને અપીલ કરી કે, તમે ઘરમાં જે આહાર ખાવો છો, તે પ્રાકૃતિક આહાર જ પસંદ કરો. શુદ્ધ આહારથી તમારું સ્વાસ્થ્ય સુધરશે અને આવનારી પેઢી પણ સ્વસ્થ થશે. રાજ્યપાલ શ્રી એ પસ્થિત તમામને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી માટે મહામુલું યોગદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી.કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા દેશભક્તિ ગીતોએ ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગ્યા હતા.
કાર્યક્રમના અંતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સની નિદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય માહિતી કમિશનર શ્રી સુભાષ સોની, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ભારતીય વાયુસેનાના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારી, વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર એર માર્શલ શ્રી મનીષ ખન્ના, ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ શ્રી મેજર જનરલ ગૌરવ બગ્ગા, તટ રક્ષક દળના મહાનિરીક્ષક શ્રી ટેકુર શશી કુમાર, વિજિલન્સ કમિશનર શ્રીમતી સંગીતા સિંધ,
ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી ડૉ. મુરલી ક્રિષ્ના, રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રીઓ, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, મુખ્ય અગ્ર વન સંરક્ષક શ્રી ડૉ.એપી સિંહ તથા ડૉ. જયપાલ સિંહ, સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા મહાનુભાવો, મજૂરો, સફાઈ કામદારો, સૈનિકો, આરોગ્ય કર્મીઓ, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ તેમજ અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.