Western Times News

Gujarati News

આપણે ત્યાં પહોંચ્યા, જ્યાં આજ સુધી કોઈ નથી પહોંચ્યુંઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યના લક્ષ્ય માટે શુભકામનાઓ આપી

(એજન્સી)નવી દિલ્હી, ભારતના ચંદ્રયાન-૩એ પર સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યના લક્ષ્યો માટે શુભકામનાઓ આપી છે. તેમણે કહ્યુ હતુ કે, ‘આપણે ત્યાં પહોંચ્યા છીએ કે જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ દેશ નથી પહોંચ્યો.

હવેથી ચાંદ સાથેના મિથક બદલાઈ જશે અને નવી પેઢી માટે કથા પણ બદલાઈ જશે.’ આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રજીવનની ચિરંજીવ ચેતના બની જાય છે. આ પળ અવિશ્વરણીય છે, અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે.

આ ક્ષણ મુશ્કેલીના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે. આ ક્ષણ ૧૪૦ કરોડ ધડકનના સામર્થ્યની છે. આ ક્ષણ ભારતમાં નવી ઉર્જા, નવો વિશ્વાસ, નવી ચેતનાની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહ્વાનની છે. અમૃતકાળની પ્રથમ પ્રભાતમાં સફળતાની આ અમૃતવર્ષા થઈ છે. આપણે ધરતી પર સંકલ્પ લીધો અને ચંદ્ર પર સાકાર કર્યો. આપણા વૈજ્ઞાનિકોએ પણ કહ્યું, ‘ઇન્ડિયા હવે ચંદ્ર પર છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘હૃદયથી હું પણ મારા દેશવાસીઓ સાથે પરિવારજનો સાથે આ ઉમંગ ઉલ્લાસથી જાેડાયેલો છું. હું ટીમ ચંદ્રયાન, ઇસરો અને દેશના દરેક વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. જેમણે આ પળ માટે વર્ષો સુધી પરિશ્રમ કર્યો છે.

ઉત્સાહ, ઉમંગ, આનંદ અને ભાવુકતાથી ભરેલા આ અદ્ભુત પળ માટે ૧૪૦ કરોડ દેશવાસીઓને આભાર માનું છું. મારા પરિવારજનો આપણાાં વૈજ્ઞાનિકોના પરિશ્રમ અને પ્રતિભાથી ભારત ચંદ્રના એ દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો છે જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ પણ દેશ નથી પહોંચી શક્યો.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, ‘આજ પછી ચાંદા સાથે જાેડાયેલા મિથક બદલાઈ જશે અને કથાનક પણ બદલાઈ જશે. નવી પેઢી માટે કહેવતો પણ બદલાઈ જશે. ભારતમાં તો આપણે બધા જ ધરતીને ‘મા’ કહીએ છીએ અને ચાંદાને ‘મામા’ કહીએ છીએ. ક્યારેક કહેવાતું હતું કે, ચાંદામામા બહુ દૂર છે. પરંતુ હવે એ દિવસ દૂર નથી જ્યારે બાળકો કહેતા હશે કે, આ રહ્યા ચાંદામામા.’

આ ઉપરાંત તેમણે ઇસરોના આગામી મિશન વિશેવાત કરતા કહ્યુ હતું કે, ‘ઇસરો સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે આગામી સમયમાં આદિત્ય એલ-૧ મિશન લોન્ચ કરશે. આ ઉપરાંત ઇસરોના આગામી લક્ષ્યોમાં શુક્ર પણ છે. આ સિવાય ઇસરો ગગનયાનના મારફતે દેશ પહેલા વુમન સ્પેસ ફ્લાઇટ મિશન માટે તૈયારી કરી રહ્યું છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘સાયન્સ અને ટેક્નોલોજી ભારતના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. આજના દિવસને દેશ હંમેશા માટે યાદ રાખશે. આ દિવસ આપણને ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધવા પ્રેરણા આપશે. આપણાં સંકલ્પોની સિદ્ધ કરવાની પ્રેરણા આપશે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.